રશિયન દળોમાં કામ કરતા ૨૬ ભારતીયોનાં મોત થયાં છેઃ કેન્દ્ર
નવી દિલ્હી, રશિયન સશસ્ત્ર દળોમાં કામ કરી રહેલા ૨૬ ભારતીયોના મોત થયાની માહિતી મળી છે, જ્યારે રશિયન પક્ષે સાત ભારતીયોને લાપતા જાહેર કર્યા છે, એવી માહિતી સરકારે ગુરુવારે સંસદને આપી. રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે ૫૦ વ્યક્તિઓને વહેલી તકે મુક્ત કરાવવા માટે પ્રયાસો ચાલુ છે.
મંત્રીએ જણાવ્યું કે વિદેશ મંત્રાલયે માર્યા ગયેલાં ૧૦ ભારતીય નાગરિકોના પાર્થિવ દેહને ભારત પરત લાવવામાં સહાય પૂરી પાડી છે તેમજ બે મૃત ભારતીય નાગરિકોના સ્થાનિક અગ્નિ સંસ્કાર કરાયા છે.
તેમણે ઉમેર્યું હતું કે, “મૃતક અથવા લાપતા હોવાનું જણાવાયેલા ૧૮ ભારતીયોના પરિવારજનોના ડીએનએ નમૂનાઓ રશિયન અધિકારીઓને મોકલાયા છે.વિદેશ મંત્રાલયને ૨૦૨૨થી અત્યાર સુધી રશિયન સેનામાં ગેરકાયદેસર રીતે કામ કરતા અથવા મજબૂર ભારતીય નાગરિકોની સંખ્યા તેમજ મોત કે લાપતા થયેલ લોકોની સંખ્યા અંગે પૂછવામાં આવ્યું હતું.
સરકારને આ બાબત અંગે પણ પૂછવામાં આવ્યું હતું કે હાલ કેટલા ભારતીય નાગરિકો રશિયન સેનામાં કામ કરી રહ્યા હોવાનું અનુમાન છે.રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા કોઈ ભારતીયોના પાર્થિવ દેહો હજુ ભારત પરત લાવવામાં બાકી છે કે નહીં અને જો હાં, તો વિલંબના કારણો શું છે.
મંત્રીએ ઉમેર્યું કે, “૨૦૨ ભારતીય નાગરિકોને રશિયન સશસ્ત્ર દળોમાં ભરતી કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ૨૬નાં મોત થયા હોવાનું અને સાત લોકો લાપતા હોવાનું રશિયન પક્ષે જાણાવ્યું છે.SS1MS
