સેવાનિવૃત્ત થતાં પહેલાં કેટલાંક જજ છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે બુધવારે દેશના ન્યાયતંત્રમાં પ્રવર્તી રહેલાં ભ્રષ્ટાચારના મુદ્દે પરોક્ષ રીતે ખુબ મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું કે સેવામાંથી નિવૃત્ત થતાં પહેલાં જજો દ્વારા બહારના કારણોથી પ્રભાવિત થઇને તાબડતોડ ચુકાદા આપી દેવા એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ સર્વશ્રી જોયમલ્લા બાગચી અને વિપુલ પંચોલીની બેંચે કહ્યું હતું કે કેટલાંક જજોમાં નોકરીમાંથી નિવૃત્ત થતાં પહેલાં વધુ પડતા આદેશ જારી કરવાની પ્રવૃત્તિ વધી ગઇ છે.
આ લોકો એવી રીતે આદેશ કરે છે જાણે મેચની છેલ્લી ઓવરમાં ઘડાઘડ છગ્ગા મરી રહ્યા હોય! સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના એક પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની અરજીની સુનાવણી દરમ્યાન આ મુજબની ટિપ્પણી કરી હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે છે જેમાં તેમને નોકરીમાંથી નિવૃત્ત થવાના ફક્ત ૧૦ દિવસ પહેલાં સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરાયો હતો.
હાઇકોર્ટે તેમના ઉપર એવો આરોપ મૂક્યો હતો કે આ જજ નોકરીમાંથી નિવૃત્ત થતાં પહેલાં કેટલાંક શંકાસ્પદ આદેશ કર્યા હતો.અરજદાર જજ ૩૦મી નવેમ્બરે નિવૃત્ત થવાના હતા પરંતુ તેમને હાઇકોર્ટના આદેશના આધારે ૧૯ નવેમ્બરના રોજ સસ્પેન્ડ કરી દેવાયા હતા.
જજ વતી હાજર રહેલાં સિનિયર એડવોકેટ વિપિન સાંઘીએ બેંચ સમક્ષ રજુઆત કરી હતી કે તેમના અસીલ જજની સમગ્ર કારકિર્દી સંપૂર્ણરીતે નિષ્કલંક રહી છે. તે ઉપરાંત સાંઘીએ એવી પણ રજૂઆત કરી હતી કે દર વર્ષે ભરવામાં આવતા વાર્ષિક અહેવાલમાં પણ તેમના અસીલ જજને ખુબ ઉંચુ રેટિંગ મળતું રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હાઇકોર્ટને જે આદેશ સામે વાંધો છે તેને અલગ અપીલ દ્વારા સુધારી પણ શકાય તેમ છે.SS1MS
