Western Times News

Gujarati News

બાંગ્લાદેશ પુનઃ ભડકે બળ્યુઃ ન્યૂઝ ચેનલો ફૂંકી મારી: હિન્દુને જીવતો સળગાવ્યો

પત્રકારની ગોળી મારી હત્યા- ભારતે એડવાઇઝરી કરી જાહેરઃ મુખ્ય આંદોલનકારી નેતાના મોત બાદ ફરી ભડકો

ઢાકા યુનિવર્સિટીમાં શેખ મુજીબુર રહેમાન હોલના આયોજકોએ તેનું નામ બદલીને ‘શહીદ ઉસ્માન હાદી હોલ’ કરી દીધું છે

(એજન્સી)ઢાકા, બાંગ્લાદેશમાં શેખ હસીનાના વિરોધી નેતા ઉસ્માન હાદીના મોત બાદ હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન ઢાકા નજીક ભાલુકામાં ધર્મનું અપમાન કરવાના આરોપમાં એક હિન્દુ યુવકને મારી મારીને તેની હત્યા કરી દેવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, યુવકના મૃતદેહને નગ્ન કરીને એક ઝાડ પર લટકાવી આગ લગાવી દીધી. મૃતકની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ગુરુવાર રાત્રે ભાલુકામાં બની હતી. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં લોકો ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવતા જોવા મળી રહ્યા છે.

આ પહેલા પ્રદર્શનકારીઓએ ગુરુવાર મોડી રાત્રે દેશના સૌથી મોટા અખબાર ડેલી સ્ટાર અને પ્રોથોમ આલોની ઓફિસમાં જબરદસ્તી ઘૂસીને તોડફોડ અને આગજની કરી હતી. આ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર્રહમાનના આવાસમાં પણ તોડફોડ કરવામાં આવી છે અને શેખ હસીનાની પાર્ટી અવામી લીગની ઓફિસને પણ સળગાવી દેવામાં આવી છે.

ઉસ્માન હાદી શેખ હસીના વિરુદ્ધ જુલાઈ ૨૦૨૪માં થયેલા વિદ્યાર્થી આંદોલનના મુખ્ય નેતાઓમાંથી એક હતા. તેમને ૧૨ ડિસેમ્બરે ચૂંટણી પ્રચાર દરમિયાન માથામાં ગોળી મારવામાં આવી હતી. ત્યારબાદ તેમને વધુ સારી સારવાર માટે સિંગાપુર લઈ જવામાં આવ્યા હતા. ૬ દિવસ બાદ તેમનું મોત નીપજ્યું હતું.

બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશમાં તાજેતરમાં થયેલી હિંસા અને પત્રકારો પર થયેલા હુમલાની કડક નિંદા કરી છે. સરકારે જણાવ્યું કે તે હિંસા, ધમકી, આગજની અને સંપત્તિને નુકસાન પહોંચાડવાની દરેક ઘટનાની સ્પષ્ટ અને કોઈપણ શરત વગર નિંદા કરે છે.

સરકારે જણાવ્યું કે આ સમયે બાંગ્લાદેશ એક ઐતિહાસિક લોકશાહી પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જેને નફરત અને અરાજકતાથી નુકસાન ન પહોંચવું જોઈએ. વચગાળાની સરકારે લોકોને અપીલ કરી કે તેઓ ભીડની હિંસાનો વિરોધ કરે. સરકારે કહ્યું કે કેટલાક કટ્ટર અને હાંસિયામાં રહેલા તત્વો દેશને અસ્થિર કરવા માગે છે.

બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસે શુક્રવારે વિદ્યાર્થી નેતા ઉસ્માનના મૃત્યુ બાદ ફાટી નીકળેલા હિંસક પ્રદર્શનો વચ્ચે એક હિંદુ વ્યક્તિને માર મારવા અને તેની હત્યા કરવાની સખત નિંદા કરી. યુનુસે ભારપૂર્વક જણાવ્યું કે ‘નવા બાંગ્લાદેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી’. તેમણે કહ્યું કે આ ગુનામાં સામેલ કોઈપણને છોડવામાં આવશે નહીં.

બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃતદેહને જોવા માટે સિંગાપોરમાં લોકો અંગુલિયા મસ્જિદની બહાર એકઠા થયા છે. હાદીના મૃત્યુના વિરોધમાં શુક્રવારે રાજધાનીના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો શાહબાગ ચોક પર એકઠા થતા જોવા મળ્યા. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ ધ્વજ લઈને ઉભા છે. તેઓ ‘અમે હાદી ભાઈના લોહીને વ્યર્થ નહીં જવા દઈએ.’ જેવા નારા લગાવી રહ્યા છે.

વિદ્યાર્થી અશફકુર રહેમાન શનિએ કહ્યું, ‘અમે એક સાચા દેશભક્તને ગુમાવ્યા છે. મને રાત્રે ઊંઘ ન આવી. હું સવારે વિરોધ પ્રદર્શન કરવા અહીં આવ્યો છું. શહીદ ઉસ્માન હાડી જેવા દેશભક્ત અને બહાદુર વ્યક્તિના જવાથી અમે ખૂબ દુઃખી છીએ.’

બાંગ્લાદેશના ખુલનામાં ઇમદાદુલ હક મિલન નામના પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અરંગઘાટા પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી (ઓસી) શાહજહાં અહેમદે પત્રકારોને જણાવ્યું કે આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ ૯ઃ૩૦ વાગ્યે બની હતી. મિલન શાલુઆ પ્રેસ ક્લબના પ્રમુખ હતા.

હુમલા સમયે મિલન શાલુઆ બજારની એક ચાની દુકાને બેસીને ચા પી રહ્યા હતા. તે જ સમયે, બે મોટરસાયકલ પર સવાર ચાર લોકો અચાનક આવ્યા, તેના પર ગોળીઓ ચલાવી અને ઝડપથી ભાગી ગયા. ઘટના પછી, આસપાસ હાજર લોકો તેમને મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે મિલોનને મૃત જાહેર કર્યા. પોલીસ હજુ સુધી હુમલો કરનાર વ્યક્તિની ઓળખ કરી શકી નથી.

ઢાકા યુનિવર્સિટીમાં શેખ મુજીબુર રહેમાન હોલના આયોજકોએ તેનું નામ બદલીને ‘શહીદ ઉસ્માન હાદી હોલ’ કરી દીધું છે અને આ નામનાં પોસ્ટરો પણ લગાવી દીધાં છે. શરીફ ઉસ્માન બિન હાદીના મૃત્યુ પછી પરિસરમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે, નેતાઓએ મધ્યરાત્રિએ હોલની સામે એક પોસ્ટર લગાવ્યું, જેમાં હોલનું નામ હાદીના નામ પર રાખવામાં આવ્યું હતું. બાંગ્લાદેશના ચૂંટણી પંચે ઉસ્માન હાદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પોતાના શોક સંદેશમાં ચૂંટણી પંચે કહ્યું કે હાદી બાંગ્લાદેશ માટે સંપૂર્ણપણે સમર્પિત હતા, એક સંઘર્ષશીલ વ્યક્તિ હતા અને યુવાનોનો અવાજ હતા.

સ્પોટ્‌ર્સ મિનિસ્ટર આસિફ મહમૂદ સજીબ ભુઈયાએ કહ્યું કે હિંસક ગતિવિધિઓમાં યુવા નેતાઓનો હાથ નહોતો. તેમણે કહ્યું, જ્યારે પણ આપણે
આ દેશ માટે એકજૂટ થઈએ છીએ, ત્યારે કોઈ સ્વાર્થી જૂથ અલગતાવાદી ગતિવિધિઓ કરીને આપણને નુકસાન પહોંચાડે છે, આપણને વિવાદોમાં ઘસડે છે અને આપણા સંઘર્ષ પર સવાલ ઉઠાવવાની તક આપે છે.

અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આજની ઉશ્કેરણીજનક કાર્યવાહીમાં સામેલ લોકોની અમે ઓળખ કરી રહ્યા છીએ. કેટલાક લોકો હાદીની શહાદત પછી ન્યાયની માંગ કરનારા આપણા આંદોલનને ભડકાવીને બીજી દિશામાં વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.