Western Times News

Gujarati News

BJP કાર્યકરની હત્યા કેસમાં મોન્ટુ નામદાર સહિત ૪ આરોપીઓને આજીવન કેદ

૨૦૨૨માં શહેરના ખાડિયા વિસ્તારમાં થયેલી ભાજપ કાર્યકર રાકેશ ઉર્ફે બોબીની હત્યાના કેસ-મૃતક રાકેશ ઉર્ફે બોબી નમ્રતાના ભાઈઓનો ખાસ મિત્ર હતો. 

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે વર્ષ ૨૦૨૨માં શહેરના ખાડિયા વિસ્તારમાં થયેલી ભાજપ કાર્યકર રાકેશ ઉર્ફે બોબીની હત્યાના કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર સહિત ચાર આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કોર્ટે તમામ પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને ચાર આરોપીઓને કડક સજા સંભળાવી છેઃ

મોન્ટુ નામદાર (મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત આરોપી)
વિશ્વ રામી, જયરાજ દેસાઈ, સુનિલ બજાણિયા,

શું હતો હત્યા પાછળનો ૩૦ વર્ષ જૂનો વિવાદ?

આ હત્યાકાંડ પાછળના મૂળિયા ૩૦ વર્ષ જૂના પારિવારિક ઝઘડામાં રહેલા છે.

પ્રેમ લગ્નનો વિવાદઃ અંદાજે ત્રણ દાયકા પહેલા આરોપી મોન્ટુ નામદારે પોતાની પિતરાઈ બહેન નમ્રતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. નમ્રતાના પરિવારે આ લગ્નનો સ્વીકાર કર્યો નહોતો અને ત્યારથી જ બંને પક્ષો વચ્ચે કડવાશ હતી.

મિત્રતાની કિંમત જીવ આપીને ચૂકવીઃ મૃતક રાકેશ ઉર્ફે બોબી નમ્રતાના ભાઈઓનો ખાસ મિત્ર હતો. કૌટુંબિક ઝઘડાઓમાં બોબી હંમેશા નમ્રતાના ભાઈઓનો સાથ આપતો હતો. આ બાબત મોન્ટુ નામદારને ખટકતી હતી અને તેણે બોબી સાથે અદાવત રાખી હતી.

વર્ષ ૨૦૨૨માં ખાડિયાની હજીરાની પોળમાં અદાવત રાખીને ૫ શખ્સોએ હુમલો કર્યો હતો. ભાજપ કાર્યકર બોબી પર બેઝબોલના દંડા અને લાકડીઓ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે બોબીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ખાડિયા જેવા શાંત વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસે તુરંત તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓની ધરપકડ કરી હતી.

સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આ કેસમાં કડક વલણ દાખવતા નોંધ્યું કે, અંગત અદાવતમાં કોઈની હત્યા કરવી એ ગંભીર ગુનો છે. ચારેય આરોપીઓને આજીવન કેદ ફટકારીને કોર્ટે સમાજમાં દાખલો બેસાડ્‌યો છે કે કાયદાથી ઉપર કોઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.