ગૌરક્ષા સ્કવોડની મોટી કાર્યવાહી, ગૌમાંસ સાથે ત્રણ આરોપી ઝડપાયા
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં ગૌવંશના કતલ તથા ગેરકાયદેસર હેરફેરની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે રચાયેલ જિલ્લા ગૌ રક્ષા સ્કોડ અને ગોધરા શહેર બી ડિવિજન પોલીસ દ્વારા ગોધરા શહેરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગૌમાંસના ગેરકાયદેસર કટીંગ તથા વેચાણ કરતા ગુજસીટોકના આરોપી સહિત ત્રણ ઈસમોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લા ગૌ રક્ષા સ્કવોડના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ગઢવીને તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા શહેરના ગેની પ્લોટ વિસ્તારમાં ઉમર મસ્જિદ નજીક રહેતો અબ્દુલ રઉફ હુસેન બદામ ઉર્ફે સઉદ હાજી પોતાના ઘર નજીક આવેલા ઈંટોથી બનાવેલા પતરા ના શેડમાં ગૌવંશ લાવી તેનું કટીંગ કરી ગૌમાંસનું છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે જિલ્લા ગૌ રક્ષા સ્કોડ તથા ગોધરા શહેર બી ડિવિજન પોલીસના સંયુક્ત સ્ટાફે તાત્કાલિક રીતે જણાવેલ સ્થળે રેડ કાર્યવાહી કરી હતી.
રેડ દરમિયાન સ્થળ પરથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં અંદાજે ૫૬ કિલો માંસ તથા અન્ય મુદામાલ મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. ૧૭,૬૧૦ થાય છે. મળેલ તમામ મુદામાલ કબ્જે લઈ વેટરનરી ઓફિસર, ગોધરાને બોલાવી માંસના સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા. આ સેમ્પલને સુરતની હ્લજીન્ લેબોરેટરીમાં મોકલવામાં આવતા તપાસમાં તે ગૌમાંસ હોવાનું પુરવાર થયું હતું.
આ મામલે પોલીસે આરોપીઓ અબ્દુલ રઉફ હુસેન બદામ ઉર્ફે સઉદ હાજી (રહે. ગેની પ્લોટ, ગોધરા), શોએબ હુસેન અદા (રહે. ભિલોડિયા પ્લોટ, ગોધરા) અને અહેમદ રમજાની સિકંદર બુઢા (રહે. મુસ્લિમ સોસાયટી-બી, ગોધરા) વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગૌવંશના કતલ અને ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
