આઝાદી સમયે ‘વંદે માતરમ્’ ગીત ગાવાની સજા બદલ અનેક વીરો જેલવાસ, ચાબુકના કોરડા અને ગોળીઓ ઝીલી શહીદ થયા
આઝાદીની લડતમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનો જુસ્સો ટકાવી રાખવા ‘વંદે માતરમ્’ની ભૂમિકા મહત્વની –આ માત્ર ગીત નથી, પણ ભારત માતાનો મંત્ર- મા ભારતીની સાધના છે
વર્ષ ૧૯૪૨માં ગાંધીજીની આગેવાની હેઠળ ‘ક્વિટ ઇન્ડિયા‘ લડતમાં ૭૨ વર્ષની વૃદ્ધ માતા માતંગિની હાથમાં રાષ્ટ્રધ્વજ રાખીને ‘વંદે માતરમ્‘ની ગર્જના કરતી કરતી ગોળીએ વીંધાઈ ગયા પણ તેમણે ‘વંદે માતરમ્‘નું ગીત ગાવાનું ચાલુ રાખ્યું હતું.
ભારતીય બંધારણ સભાએ તા. ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આ ગીતને ‘રાષ્ટ્રીય ગીત‘ તરીકે માન્યતા આપી હતી. આ ગીત ગાવાની અવિધ ૬૫ સેકન્ડ છે.
ભારતના આઝાદી સંગ્રામની ક્રાંતિની ચેતના સમાન ‘વંદે માતરમ્‘ રાષ્ટ્રીય ગીતને આ વર્ષે ૦૭ નવેમ્બરના દિને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા, તેની યાદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત વિવિધ સ્વરૂપે રાષ્ટ્રવ્યાપી ઉજવણી પણ થઈ રહી છે.
પૂજ્ય સ્વામી વિવેકાનંદે એક પ્રવચનમાં કહ્યું હતું કે, “ભારતની ભૂમિ પુણ્યભૂમિ છે, મારું એ ઊંચામાં ઊંચું સ્વર્ગ છે. બધા દેવોને બાજુએ મૂકી એક ભારતમાતાની ભક્તિ કરો. આ ભારતમાતા એટલે પર્વત, પાણી અને પાંદડા નહિ, જળ ધરતી નહિ પણ જીવતી જાગતી ભારતીય ચેતના, ભારતીયતા…”
બંગાળના મહાન કવિ-લેખક અને ગીતકાર શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પહેલી વખત ૭મી નવેમ્બર, ૧૮૭૫ના રોજ એક સાહિત્યિક ગોષ્ઠિમાં પોતાનું ગીત ‘વંદે માતરમ્‘ ગાયું, જેને સૌએ બિરદાવ્યું. આ ગીત જાહેરમાં રજૂ થયું, ત્યારબાદ તેમણે ભારતની પુણ્યભૂમિનાં આહલાદક કુદરતી દ્રશ્યો, નૈસર્ગિક સુંદરતા નિહાળીને આ ગીતમાં થોડો ફેરફાર કર્યો અને તેને તે સમયે પોતાના સામયિક ‘બંગદર્શન‘માં પ્રગટ કર્યું હતું.
આ ઉપરાંત વર્ષ ૧૮૮૨માં તેમણે આ ગીતમાં ત્રીજીવાર ફેરફાર કર્યા હતા અને આ ગીતનો એમણે પોતાની ‘આનંદમઠ‘ નામની નવલકથામાં ઉપયોગ કર્યો હતો. આ ગીત વર્ષ ૧૮૯૬થી લોકહૃદયની જ્યોતિ બની ગયું હતું અને તે આપણું રાષ્ટ્રીય ગીત બન્યું.
જ્યારે ૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ના દિવસે આપણો દેશ આઝાદ થયો એ પછી આપણી લોકસભાની પહેલી બેઠકમાં પંડિત ઓમકારનાથજીના કંઠે ખાસ આ ગીત ગાવામાં આવ્યું હતું. સમગ્ર આઝાદીની લડત દરમિયાન આ ગીત ગવાયું હતું અને તેની માટે અનેક આઝાદીના લડવૈયાઓએ જેલવાસ ભોગવ્યો, ચાબુકના ફટકા ખાધા, ગોળીઓ ઝીલી અને શહીદ થયા હતા. ૧૫ વર્ષના સુશીલકુમાર જેવા અનેક વિદ્યાર્થીઓ એ સમયે હતા, જેઓ ‘વંદે માતરમ્‘ની ગર્જના કરતા હતા અને એમના દેહ પર અંગ્રેજ સરકારના ચાબખા પણ સહન કરતા હતા.
આટલું જ નહિ પણ ચંદ્રશેખર આઝાદે સરઘસમાં જોડાઈને ‘વંદે માતરમ્‘ ‘મહાત્મા ગાંધી કી જય !‘ જેવો બુલંદ પોકાર કર્યો હતો. માત્ર ૧૮ વર્ષના ખુદીરામ બોઝ ફાંસીએ ચડતા અંતિમ શબ્દ ‘વંદે માતરમ્‘ બોલ્યા હતા. શાહજહાપુરના પંડિત રામપ્રસાદ બિસ્મિલ માતૃભક્તિ હૈયે રાખી વૈદમંત્ર અને ‘વંદે માતરમ્‘ બોલતા ફાંસીએ ચડી ગયા હતા. તેમના મિત્ર અશફાક ખાનને તેની માતાએ ‘વંદે માતરમ્‘નું મહત્ત્વ સમજાવી તેની પ્રેરણા આપી હતી.
વર્ષ ૧૯૪૨માં ગાંધીજીની આગેવાની હેઠળ ‘ક્વિટ ઇન્ડિયા‘ લડતમાં ૭૨ વર્ષની વૃદ્ધ માતા માતંગિની હાથમાં રાષ્ટ્રધ્વજ રાખીને ‘વંદે માતરમ્‘ની ગર્જના કરતી કરતી ગોળીએ વીંધાઈ ગયા પણ તેમણે ‘વંદે માતરમ્‘નું ગીત ગાવાનું ચાલુ રાખ્યું હતું.
આમ, ‘વંદે માતરમ્‘ રાષ્ટ્રીય ગીતનો એવો પ્રભાવ છે કે આ માત્ર ગીત નથી,ભારત માતાનો મંત્ર, ઊર્જા, સ્વપ્ન અને સંકલ્પ છે. મા ભારતીની સાધના છે. ભારતની ચૈતના અને જાગૃતિનું પ્રતીક છે. દેશભક્તિનું અને શહીદોની શહાદતનું પ્રતીક છે. આ ગીત કરોડો ભારતીયોના દિલમાં વસે છે જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે.
