ગુજરાતના આ જિલ્લાની સરકારની આંગણવાડી ખખડધજ ઝૂંપડીમાં ચાલે છે?
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે સરકારી આંગણવાડી કોઈ મકાનમાં નહીં પણ અહીં તસ્વીરમાં દેખાતી એક ઝૂંપડીમાં ચાલે છે.આ ઝૂંપડી પણ સરકારની નથી,એક કર્મચારીની છે ? આ ઝૂંપડીમાં સડેલા લાકડાની છત પર તાડપત્રી નાખવામાં આવી છે.
🛑આ છે વિકસિત ગુજરાતના બણગા ફૂંકતી છોટા ઉદેયપુરની વરવી, કડવી અને શરમજનક વાસ્તવિકતા.👇🏻
વિકસિત ગુજરાતની અવિકસિત #આંગણવાડી : જ્યાં ઝૂંપડાની તાડપત્રી જ છત છે અને ઝૂંપડું જ આંગણવાડી..
🛑છોટાઉદેપુર જિલ્લાના #નસવાડી તાલુકાના કાંધા ગામે શિક્ષણનું પહેલું પગથિયું કોઈ ઇમારતમાં નથી..
તે… pic.twitter.com/51J4VNd9Hj— Yuvrajsinh Jadeja (@YAJadeja) December 16, 2025
ભીંતો કાચી માટીની છે. વાત એવી છે કે છેલ્લા બે વર્ષથી આ આંગણવાડીનું પાકું મકાન બનવાનું છે. એવી વાતો થાય છે પણ એ અંગે નક્કર કશું થતું નથી.એક ચિંતા એવી પણ છે કે આ ઝૂંપડીમાં તાડપત્રી ઢંકાયેલી છત જો ધરાશયી થાય તો શું થાય?
આદિવાસી વિસ્તારના ૧૦ બાળકો આવી જોખમી છત નીચે બેસીને પોતાની પ્રારંભની કેળવણી મેળવી રહ્યા છે.

પાટનગરને લાંછન લગાડે એવો રૂ.૩૦/-લાખની લાંચ લેવાનો કિસ્સો

ગાંધીનગરમાં ફરજ બજાવતા લગભગ દરેક અધિકારી અને કર્મચારી સતત એ વિચારતા હોય છે કે આપણે પાટનગરમાં ફરજ બજાવીએ છીએ અને રાજકીય રીતે આ બહુ સંવેદનશીલ શહેર છે,
એટલે અહીં સાચવીને તથા સલુકાઈથી કામ કરવું.આ આમન્યા અને આ ધાક હવે રહી હોય એવું લાગતું નથી.તેનો પુરાવો એ છે ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર પેથા કરમશી પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુ દેસાઈ રૂ.૩૦/-લાખની લાંચ લેતા ઝડપાયા છે. મૂળ તો આ લાંચ રૂ.૨/-કરોડની માંગવામાં આવી હતી. પણ ઉભય પક્ષે ચર્ચા થયાં પછી એ રકમ રૂ.૩૦/-લાખ નક્કી થઇ હતી.
ગુજરાતનુ પાટનગર કે જ્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી(ને ગૃહમંત્રી પણ) બેસતા હોય એ શહેરમાં વર્ગ-૨નો પોલીસ અધિકારી તેના કોન્સ્ટેબલ સાથે રાખીને આટલી મોટી રકમની લાંચ બિન્ધાસ્ત બનીને અને શરમ વગર માંગી અને લઈ શકે એ સૂચવે છે લાંચિયા અધિકારીઓને કોઈ શરમ કે ડર નડતા નથી.
પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકા છે કે નહીં એ નાગરિકોને સમજાતું નથી!
ગુજરાતનું પાટનગર ગાંધીનગર જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.પાટનગરને શણગારવામાં નરેન્દ્ર મોદીએ કોઈ કસર રાખી ન હતી.નરેન્દ્ર મોદીએ સોનાના ઘરેણાં જેવું રૂપાળું બનાવેલું પાટનગર ગાંધીનગર આજકાલ બિસ્માર હાલતમાં છે.
એનો તમામ અપયશ ગાંધીનગર મહાનગરપાલિકાને જાય છે. ગાંધીનગરમાં મહાનગરપાલિકા જાણે અસ્તિત્વ જ ન ધરાવતી હોય એવી સ્થિતિ ગાંધીનગરના રસ્તાઓની છે.
અરે, ગાંધીનગરના આંતરીક રસ્તાઓના સમારકામનું જ્યાં કામ ચાલે છે તેની પર ગાંધીનગર મહાનગરપાલિકાનો કોઈ કર્મચારી કે અધિકારી સુપરવિઝન પણ કરતો દેખાતો નથી!
કમનસીબી તો એ છે કે શહેરના ભાંગેલા તુટેલા અને ભંગાર તથા નક્કામા થઈ ગયેલા રસ્તાઓ જોઈને ચૂંટાયેલા કોર્પોરેટર્સના પેટનું પાણી પણ હલતું નથી! પાટનગર માટે આ સ્થિતિ કપાળે કાળી ટીલી સમાન છે.
એક સક્રિય અને વિદ્વાન નિવૃત આઈ. એ.એસ. અધિકારી વિજય રંચનની વિદાય
તાજેતરમાં તા.૧૨મી ડિસેમ્બરે પોતાના ૧૮મા પુસ્તકના લોકાર્પણ સમારોહમાં પોતાની કેફિયત રજુ કરનાર અને ગાંધીનગરની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેનાર ગુજરાતની ૧૯૬૭ની બેચના નિવૃત આઈ.એ.એસ. અધિકારી અને અધિક મુખ્ય સચિવ વિજય રંચનનુ તા.૧૯ ડિસેમ્બરે અવસાન થયું છે.
હિન્દી ફિલ્મ જગતના ઉંડા અભ્યાસુ રહેલા વિજય રંચન હિમાચલ પ્રદેશના સિમાલાના વતની અને પંજાબ યુનિવર્સિટીના સ્નાતક હતા.પાટનગરમા વસતા નિવૃત સનદી અધિકારીઓ શહેરની સામાજિક,સાહિત્યિક, સાંસ્કૃતિક કે સેવાકીય પ્રવૃત્તિમાં કશો રસ લેતાં જોવા મળતા નથી.એમાં વિજય રંચન એક સુખદ અપવાદ હતા
.અરે, સક્રિય તો એટલાં કે આ લેખકની કોલમ વાંચીને ફોન કરે અને સારું લખાયું હોય તો અભિનંદન આપે અને કંઈ સરતચૂક થઈ હોય તો ધ્યાન દોરે અથવા પુરક માહિતી આપે.
વિજય રંચન તેમની વિદ્વતાનો ભાર લઈને ક્યારેય નહોતા ફરતાં. આશરે બે વર્ષ પહેલાં ગંભીર બીમારીમાં પટકાયા પછી જાણે કે મૃત્યુને મળીને પાછા ફર્યા હોય એમ એમણે મૃત્યુ ગીતોનો આખો કાવ્યસંગ્રહ ‘મૃત્યુબોધ’ આપ્યો હતો. વિજય રંચન તેમની પાછળ પત્ની ગીતા રંચન, પુત્રીઓ તુષીતા અને રાશિકાને વિલાપ કરતી છોડી ગયા છે.
વર્તમાન મંત્રીમંડળના મંત્રીની નમ્રતા, સંસ્કાર અને વિવેકની કથા!

ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ પૂર્ણ રીતે કાર્યરત થઇ ગયું છે અને એ મંત્રીમંડળમાં કેટલાક સાવ નવા નિશાળિયા જેવા ધારાસભ્યો મંત્રી બન્યા છે
ત્યારે તેમને સરકારી વહીવટીતંત્રની પરંપરાનો કોઈ અનુભવ નથી તેની સાબિતી મળે એવા (અને જરાય સાચું માનવાનું મન ન થાય તેવા) તથા તેમના વિવેક, નમ્રતા અને સંસ્કારને સલામ ભરવી પડે તેવા કિસ્સાઓ સરકારી અધિકારીઓનાં મુખેથી સાંભળવા મળતા રહે છે. તેમાંથી એક-બે માણીએ.
(૧)ઃ-એક મિટિંગમાં મુખ્ય સચિવના કાર્યાલયમાં ગયેલા એક ઉચ્ચ અધિકારીને ત્યાં વેઈટિંગ રૂમમાં પોતાના વારાની રાહ જોતા એક રાજ્ય કક્ષાના મંત્રીને જોયા. પૂછ્યુ તો એ મંત્રીએ સહજભાવે જણાવ્યું કે મારા વિસ્તારના કેટલાક પ્રશ્નો અંગે રજૂઆત કરવા આવ્યો છું!
(૨)ઃ-એક બીજો કિસ્સો એવો છે કે એક કેબિનેટ મંત્રી પટાવાળા કે સિક્યોરિટી ગાર્ડને લીધાં વગર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા ગયાં હતાં પણ હર્ષ સંઘવી એક અગત્યની મિટિંગમાં વ્યસ્ત હોવાથી કેબિનેટ મંત્રીને મળી નહોતા શક્યા એટલે કેબિનેટ મંત્રીએ નીરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું! સરકારમાં, ગાંધીનગરમાં આવું પણ બને છે હોં!
