રાજકીય પક્ષોને ૩,૮૧૧ કરોડનું દાન: ૮૨ ટકા દાન ભાજપને ગયું હતું
પ્રુડન્ટ ટ્રસ્ટને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, મેઘા એન્જિનિયરિંગ, ભારતી એરટેલ, અરબિંદો ફાર્મા અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ જેવી મોટી કંપનીઓ તરફથી દાન મળ્યું હતું. જોકે ટ્રસ્ટે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટીને પણ દાન આપ્યું હતું, પરંતુ લગભગ ૮૨ ટકા દાન ભાજપને ગયું હતું.
૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં રાજકીય પક્ષોને કુલ ૩,૮૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું-ભાજપને ૨,૧૮૦.૦૭ કરોડ રૂપિયાનું દાન મળ્યું
૨૦૨૩-૨૪ નાણાકીય વર્ષમાં દાનમાં આપેલા ૧,૨૧૮ કરોડ રૂપિયા કરતાં ત્રણ ગણું વધારે છે.
કોર્પોરેટ સમર્થિત ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપ્યું-૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં નવ ઈલેક્ટોરલ ટ્રસ્ટે વિવિધ રાજકીય પક્ષોને કુલ ૩,૮૧૧ કરોડનું દાન આપ્યું હતું
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાના એક વર્ષ પછી, એક ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું છે. કોર્પોરેટ સમર્થિત ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને મોટા પાયે દાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાં પછીના પ્રથમ નાણાકીય વર્ષમાં રાજકીય પક્ષોને ભંડોળનો નોંધપાત્ર પ્રવાહ મળ્યો છે.
રાજકીય દાનમાં ત્રણ ગણો વધારો નોંધવામાં આવ્યો છે. ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં નવ ઈલેક્ટોરલ ટ્રસ્ટે વિવિધ રાજકીય પક્ષોને કુલ ૩,૮૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ભાજપ સૌથી વધુ લાભાર્થી હતો. કોંગ્રેસને પણ કરોડોનું દાન મળ્યું હતું.
સુપ્રીમ કોર્ટ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાં પછી, કોર્પોરેટ-સમર્થિત ઈલેક્ટોરલ ટ્રસ્ટો દ્વારા રાજકીય પક્ષોને આપવામાં આવતા દાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં નવ ઈલેક્ટોરલ ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને કુલ ૩,૮૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, જે પાછલા ૨૦૨૩-૨૪ નાણાકીય વર્ષમાં દાનમાં આપેલા ૧,૨૧૮ કરોડ રૂપિયા કરતાં ત્રણ ગણું વધારે છે.
અહેવાલો અનુસાર, ચૂંટણી પંચને સુપરત કરાયેલ યોગદાનની વિગતો અનુસાર, શાસક ભારતીય જનતા પાર્ટીને આ રકમનો સૌથી મોટો હિસ્સો મળ્યો હતો. ભાજપને ૩,૧૧૨ કરોડ રૂપિયા મળ્યા હતા, જે કુલ દાનના આશરે ૮૨ ટકા હતા.
આ દરમિયાન કોંગ્રેસને આશરે ૨૯૯ કરોડ રૂપિયા મળ્યા હતા, જે કુલ દાનના આશરે ૮ ટકા હતા. અન્ય તમામ રાજકીય પક્ષોને સંયુક્ત રીતે ૪૦૦ કરોડ રૂપિયા મળ્યા હતા, જે કુલ દાનના આશરે ૧૦ ટકા હતા. અહેવાલો અનુસાર, હાલમાં દેશમાં ૧૯ ઈલેક્ટોરલ ટ્રસ્ટ નોંધાયેલા છે, પરંતુ ૨૦મી ડિસેમ્બર સુધીમાં ચૂંટણી પંચની વેબસાઇટ પર ફક્ત ૧૩ ટ્રસ્ટની યોગદાનની વિગતો ઉપલબ્ધ હતી.
આમાંથી નવ ટ્રસ્ટોએ દાનની જાણ કરી હતી, જ્યારે ચાર ટ્રસ્ટ (જનહિત, પરિવર્તન, જય હિંદ અને જય ભારત)એ ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં કોઈ દાન આપ્યું ન હતું. પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ આ વર્ષે ભાજપના સૌથી મોટા દાતા તરીકે ઉભરી આવ્યું છે, જેણે ભાજપને ૨,૧૮૦.૦૭ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
