બાંગ્લાદેશમાં ભારતનું વિઝા કેન્દ્ર અનિશ્ચિત સમય માટે બંધ
ઢાકા, ભારતે રવિવારે બાંગ્લાદેશના પોર્ટ સિટી ચટ્ટોગ્રામ ખાતે આવેલા વિઝા કેન્દ્રને અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધું છે. બાંગ્લાદેશમાં કટ્ટરવારી વિદ્યાર્થી નેતા શરીફ ઓસમાન હાદીની હત્યા બાદ હિંસા ભડકી ઊઠી છે. હિંસક બનેલા તોફાની ટોળાએ ચટ્ટોગ્રામ ખાતે આસિસ્ટન્ટ ભારતીય હાઈ કમિશનના ઘર પર પત્થરમારો કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે સિલહટ ખાતે આવેલી આસિ. હાઈ કમિશનના નિવાસ અને કચેરી ખાતે સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાયો છે.બાંગ્લાદેશના વિદ્યાર્થી નેતા ઓસમાન હાદીના નેતૃત્વમાં ગત વર્ષે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયા હતા, જેના કારણે શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ સતત હિંસા અને અરાજકતાનો ભોગ બનેલા બાંગ્લાદેશમાં ૧૨ ફેબ્›આરીના રોજ ચૂંટણી યોજાવાની છે. તેમાં હાદીએ પણ ઉમેદવારી નોંધાવી હતી.
૧૨ ડિસેમ્બરે ઢાકાના બિજોયનગર ખાતે હાદી પર બંદૂકની ગોળીથી હુમલો થયો હતો અને ૧૮ ડિસેમ્બરે તેનું મોત થયું હતું. હાદીના મોત બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન ચટ્ટોગ્રામ ખાતે ભારતના આસિસ્ટન્ટ હાઈ કમિશનના ઘર પર પત્થરમારો થયો હતો. આ ઘટના બાદ ચટ્ટોગ્રામ ખાતે ભારતનું વિઝા કેન્દ્ર અનિશ્ચિત કાળ માટે બંધ કરવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં ભારતના પાંચ વિઝા કેન્દ્ર આવેલા છે. તે પૈકી ઢાકા, ખુલાના, રાજશાહી અને સિલહટના કેન્દ્રો રવિવારે ચાલુ રખાયા હતા.બાંગ્લાદેશમાં ટોળાએ હિન્દુ યુવકની હત્યા કરી સળગાવી દીધા બાદ સમગ્ર વિશ્વમાં રોષ ફેલાયો છે.
આ ઘટનાના વિરોધમાં નવી દિલ્હી ખાતે આવેલી બાંગ્લાદેશ હાઈ કમિશનની કચેરી સામે દેખાવો દરમિયાન ટોળાએ સલામતી વ્યવસ્થા તોડી સંકુલમાં ઘૂસવા પ્રયાસ કર્યાે હોવાના અહેવાલ બાંગ્લાદેશી મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા.
વિદેશ મંત્રાલયે આ પ્રકારના અહેવાલોને ગેરમાર્ગે દોરનારા પ્રોપગેન્ડા ગણાવી ફગાવી દીધા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, નરાધમ ટોળાએ કરેલી હત્યાના વિરોધમાં ૨૦-૨૫ યુવકોએ ભેગા થઈ બાંગ્લાદેશ હાઈ કમિશનની કચેરી સમક્ષ શનિવારે દેખાવો-સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાંગ્લાદેશમાં લઘુમતીના રક્ષણ માટે માગ કરી હતી.SS1MS
