વેરાવળમાં સાળા સહિત છ શખ્સે બજાર વચ્ચે બનેવીની હત્યા કરી
વેરાવળ, વેરાવળની મુખ્ય બજારમાં વહેલી સવારે જૂના મનદુઃખમાં આધેડની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરની આવાસ કોલોનીમાં રહેતા ૫૦ વર્ષીય પુનાભાઈ બાબુભાઈ સોલંકી પર તેમના જ સાળા સહિતના છ શખ્સોએ લોખંડની પાઈપ અને પથ્થરો વડે જીવલેણ હુમલો કર્યાે હતો.
ગંભીર ઈજાઓને કારણે પુનાભાઈનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ચાર આરોપીઓને ઝડપી લીધા છે.૧૯ ડિસેમ્બરના રોજ વહેલી સવારે આશરે પાંચ વાગ્યે પુનાભાઈ શાકમાર્કેટ તરફ જઈ રહ્યા હતા. આ સમયે સુભાષ રોડ પર મુકેશ બધા, સંજય બધા, ચંદા સંજય, મુકતા કાના, સુનીલ કાના અને સાહિલ સોલંકી તેમની સામે આવ્યા હતા. અગાઉના કૌટુંબિક મનદુઃખને કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જોતજોતામાં મામલો બિચક્યો હતો અને આરોપીઓએ હથિયારો વડે પુનાભાઈ પર તૂટી પડી લોહીલુહાણ કરી નાખ્યા હતા.ઘટના બાદ ઈજાગ્રસ્ત પુનાભાઈને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.બીજી તરફ હુમલાખોરો પૈકીનો ઈજાગ્રસ્ત સંજય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈને ફરાર થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતકની પત્ની મંગુબેન સોલંકીની ફરિયાદના આધારે છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.વેરાવળ વિભાગીય પોલીસ અધિકારી વી.આર. ખેંગારે જણાવ્યું હતું કે, પોલીસે કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં ચાર આરોપીઓની અટકાયત કરી લીધી છે.SS1MS
