શાહરૂખ, રણબીર અને દીપિકા જેવાં મોટા સ્ટાર્સ ૨૦૨૫માં મોટા પડદે ન દેખાયાં
મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ૨૦૨૫નું વર્ષ ઘણું સારું રહેલું છે. વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે રણવીર સિંહની ‘ધુરંધર’ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. રૂ.૪૦૦ કરોડનો આંક વટાવ્યા બાદ આ ફિલ્મ બોક્સઓફિસ પર રૂ.૫૦૦ કરોડને પાર કરવાની તૈયારીમાં છે.
બોલિવૂડ માટે ઉત્સાહજનક રહેલા આ વર્ષમાં શાહરૂખ, રણબીર અને દીપિકા જેવાં એ ગ્રેડ સ્ટાર્સ મોટા પડદે સહેજ પણ દેખાયા નથી. જ્યારે આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, કરીના કપૂર ખાન અને શ્રદ્ધા કપૂરની પણ કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. શાહરૂખ ખાને વર્ષ ૨૦૨૩માં પઠાણ, જવાન અને ડન્કી જેવી ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મો આપી શાનદાર કમબેક કર્યું હતું. ત્યારબાદ સતત બે વર્ષ સુધી એટલે કે ૨૦૨૪ અને ૨૦૨૫માં શાહરૂખની કોઈ ફિલ્મ આવી નથી.
આ બે વર્ષનો સમયગાળો શાહરૂખે આરામ કરવામાં નહીં, પરંતુ આગામી સમયની સ્ટ્રેટેજી બનાવવામાં વીતાવ્યો છે. આ વર્ષે શાહરૂખે દીકરા આર્યન ખાનના પહેલા વેબ શો ‘ધ બે..ડ્સ ઓફ બોલિવૂડ’માં કેમિયો કર્યાે હતો, પરંતુ કોઈ ફિલ્મ રિલીઝ થઈ ન હતી.
૨૦૨૫માં દીકરા આર્યનના પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રયાસો કરનારા શાહરૂખે આગામી વર્ષમાં દીકરી સુહાનાને સ્ટારડમ અપાવવાનું નક્કી કર્યું છે. દીકરી સુહાના સાથેની શાહરૂખની કિંગ ૨૦૨૬માં રિલીઝ થવાની છે. રણબીર કપૂરનો મોટા ભાગનો સમય બિગ બજેટ ફિલ્મોના શૂટિંગમાં ગયો છે.
આ વર્ષે રણબીરે રામાયણ અને લવ એન્ડ વોર જેવી મલ્ટિસ્ટાર ફિલ્મોનું શૂટિંગ કર્યું છે. ૨૦૨૪માં રણવીરની એનિમલ ખૂબ સફળ રહી હતી, પરંતુ તે પછી રણબીરની કોઈ ફિલ્મ આવી નથી. આર્યન ખાનની સિરીઝ બે…ડ્સ ઓફ બોલિવૂડમાં રણબીરે કેમિયો કર્યાે હતો. આગામી વર્ષે દિવાળી પર રણબીરની રામાયણ રિલીઝ થવાની છે. આલિયા ભટ્ટે ૨૦૨૫માં ફિલ્મો કે કરિયરના બદલે દીકરી રાહા પર વધારે ધ્યાન આપ્યું છે. ૨૦૨૪નું વર્ષ આલિયા માટે અત્યંત વ્યસ્ત રહ્યું હતું,
જયારે આ વર્ષે તેણે થોડા ધીમા રહેવાનું નક્કી કર્યું છે. ૨૦૨૫માં આલિયાની ડિસ્ટ્રિબ્યુર કે પ્રોડ્યુસર તરીકે કોઈ ફિલ્મ રિલીઝ થઈ ન હતી. આ વર્ષે આલિયાએ પણ શાહરૂખની જેમ આગામી સમયના આયોજનમાં વધારે સમય આપ્યો છે. દીપિકા પાદુકોણ કલ્કિ ૨૮૯૮ની સફળતા બાદ મોટા સ્ક્રિનથી દૂર રહી છે.
૨૦૨૪માં દીકરી દુઆના જન્મ બાદ દીપિકાએ પણ ફિલ્મોના બદલે દીકરીને વધારે મહત્ત્વ આપ્યું છે. દીપિકાના આગામી પ્રોજેક્ટ્સમાં અલ્લુ અર્જુન સાથેની સાયન્સ-ફિક્શનનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી. આમિર ખાન સાથેની ફિલ્મ લાલસિંગ ચઢ્ઢા પછી કરીના કપૂર ખાનનો નબળો સમય ચાલી રહ્યો છે. ૨૦૨૫માં કરીનાની કોઈ ફિલ્મ થીયેટરમાં રિલીઝ થઈ ન હતી. ૨૦૨૪માં આવેલી બકિંગહામ મર્ડર્સ પણ ખાસ ચાલી ન હતી.
આગામી સમયમાં મેઘના ગુલઝારની ફિલ્મ દાયરા આવી રહી છે, જેમાં કરીના સાથે પૃથ્વીરાજ સુકુમારન છે. આ ફિલ્મનું ધીમી ગતિએ શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ તે સિવાય કરીના પાસે ખાસ પ્રોજેક્ટ્સ નથી. કેટરિના કૈફ માટે ૨૦૨૫નું વર્ષ પરિવાર માટે સમર્પિત રહ્યું છે.
તેણે ફિલ્મોના બદલે પોતાના બિઝનેસ પર વધારે ધ્યાન આપ્યુ હતું. વર્ષ ૨૦૨૪માં મેરી ક્રિસમસના ધબડકા પછી કેટરિનાની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. જો કે કેટરિનાએ પોતાની કોસ્ટેમેટિક કંપની શરૂ કરી છે અને દીકરાની કાળજી રાખવામાં વધારે સમય આપી રહી છે.SS1MS
