જમાલપુરમાં તોતીંગ દિવાલ ધરાશાયી
સદનસીબે કોઈ જાનહાનિ નહી : કેટલાક વાહનોને ભારે નુકસાન
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આજે વહેલી સવારે ટેલીફોન એકસચેન્જની તોતીંગ દિવાલ ધરાશાયી થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો દિવાલ પડતાં કેટલાક વાહનોને ભારે નુકસાન થયું છે સદનસીબે કોઈ જાનહાની નહી થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ તથા પોલીસ સ્થળ પર પહોચી ગઈ હતી.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ટેલીફોન એકસચેન્જની દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જાવા મળતી હતી આ દરમિયાનમાં આજે વહેલી સવારે ધડાકાભેર આ દિવાલ ધરાશાયી થઈ જતાં દિવાલને અડીને પાર્ક કરવામાં આવેલા વાહનો પર તેનો કાટમાળ પડયો હતો
જેના પરિણામે બે ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો દિવાલ ધરાશાયી થતાં મોટો ધડાકો થયો હતો જેના પરિણામે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં સ્થળ પરનું દ્રશ્ય જાતા એકત્ર થયેલા લોકો ચોંકી ઉઠયા હતાં સદનસીબે વહેલી સવારે બનેલી આ ઘટનાના પગલે કોઈ નાગરિક ત્યાં હાજર ન હતો જેના પરિણામે જાનહાની અટકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં સાથે સાથે પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતાં. ફાયરબ્રિગેડના અધિકારીઓએ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.