કિસાન સૂર્યોદય યોજના (KSY) હેઠળ રાજ્યના 98%થી વધુ ગામોને મળે છે દિવસે વીજળી, 19 લાખથી વધુ ખેડૂતો મેળવી રહ્યા છે દિવસે વીજળીનો લાભ
AI Image
અટલ નેતૃત્વ, અવિરત વિકાસ, સુશાસન થકી સમૃદ્ધ ખેડૂત
વર્ષ 2026-27માં GETCO દ્વારા ₹1000 કરોડના અંદાજિત ખર્ચે 5 નવા સબસ્ટેશન અને લગભગ 1100 સર્કિટ કિમી (CKM) ના ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવવાની યોજના
40 નવા સબસ્ટેશનો, 4640.73 CKMની ટ્રાન્સમિશન લાઇન્સ તેમજ 3927.72 CKMના MVCC કામ માટે રાજ્ય સરકાર દ્વારા ₹5000 કરોડથી વધુનો ખર્ચ
‘માર્ચ 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે’ – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સુશાસનનો હેતુ છે ખેડૂતલક્ષી યોજનાઓ અને પહેલો પારદર્શક અને અસરકારક રીતે ખેડૂતો સુધી પહોંચે. ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે, અને ભારતનો વિકાસ ત્યારે જ શક્ય છે, જ્યારે ખેડૂતો સમૃદ્ધ, સુરક્ષિત અને આત્મનિર્ભર હોય. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુદૃઢ સુશાસન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ તમામ ખેડૂતો સુધી સફળતાપૂર્વક પહોંચાડી રહી છે, અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, કિસાન સૂર્યોદય યોજના (KSY), જેના થકી આજે રાજ્યના 17,018 ગામોને એટલે કે 98.66% ગામોને દિવસે વીજળીનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ ગુજરાતના 19.69 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે.
ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાની ગુજરાતની સફળતા અંગે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃષિ હિતકારી નીતિઓ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ 98 ટકા ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. જેઓ બાકી છે, તેમને પણ માર્ચ 2026 સુધીમાં દિવસે વીજળી મળતી થઈ જશે અને આ મિશન પૂરું કરવામાં આવશે. માનનીય વડાપ્રધાનશ્રીનો આ એક ખૂબ મોટો નિર્ણય હતો, જે આપણે પૂરો કરી શક્યા એ આપણા સહુ માટે આનંદની વાત છે. ખેડૂતોને પૂરતું પાણી અને વીજળી મળવાના કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રનું ચિત્ર સમગ્રતયા બદલાઈ ગયું છે અને ખેડૂત સમૃદ્ધ થયો છે.”
*કિસાન સૂર્યોદય યોજના હેઠળ સૂર્યપ્રકાશના કલાકોનો મહત્તમ ઉપયોગ થાય તે રીતે ખેડૂતોને વીજળી આપવામાં આવે છે*
કિસાન સૂર્યોદય યોજના વર્ષ 2020માં અમલી કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ખેડૂતોને સવારના 5.00 વાગ્યાથી રાતના 9.00 વાગ્યા સુધીમાં બે સ્લોટમાં (સવારે 5.00 થી બપોરે 1.00 વાગ્યા સુધીનો સ્લોટ અને બપોરે 1.00 થી રાત્રે 9.00 વાગ્યા સુધીનો સ્લોટ) વીજળી પૂરી પાડવાનો હતો. જોકે, યોજના અમલી બનાવ્યા પછી કૃષિ ક્ષેત્ર માટે વીજ પુરવઠાના સમયપત્રકને સૂર્યપ્રકાશના કલાકોના હિસાબથી વધુ કાર્યક્ષમ બનાવવું જરૂરી જણાયું,
જેનાથી સિંગલ શિફ્ટનો કોન્સેપ્ટ પ્રકાશમાં આવ્યો. આ કોન્સેપ્ટ હેઠળ, ખેડૂતોને સૂર્યપ્રકાશના કલાકો દરમિયાન, ખાસ કરીને સવારે 7.00 વાગ્યાથી સાંજે 5.00 વાગ્યા સુધી કૃષિ માટે વીજળી પૂરી પાડવામાં આવે છે. સૌર ઊર્જાને આ રીતે સંકલિત કરવાથી, વધુ માંગના સમયગાળા દરમિયાન ગ્રીડ પરનો ભાર ઓછો થાય છે, જેનાથી કૃષિ માટે વધુ ટકાઉ અને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત થાય છે.
હાલ આ યોજના હેઠળ રાજ્યના 17,018 ગામડાઓને (98.66%) દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે, તેમજ રાજ્યના 98% સબસ્ટેશનોને ડે-ટાઇમ એટલે કે દિવસના સમયમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બાકીના 231 ગામોને આ યોજના હેઠળ આવરી લેવા માટે બાકીના 45 રોટેશનલ સબસ્ટેશનોના શિફ્ટિંગનું કાર્ય પ્રગતિ હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ 40 નવા સબસ્ટેશનો ઊભા કરવા, 4640.73 સર્કિટ કિમી (CKM)ની ટ્રાન્સમિશન લાઇનો નાખવા તેમજ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને મજબૂત કરવા માટે 3927.72 સર્કિટ કિમી (CKM)ની MVCC કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ₹5353.62 કરોડનો કુલ ખર્ચ કરવામાં આવ્યો છે.
*વર્ષ 2026-27માં નવા સબસ્ટેશનો ઊભા કરવાની તેમજ ટ્રાન્સમિશન નેટવર્ક મજબૂત કરવાની યોજના*
વર્ષ 2026-27માં, દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે GETCOએ આશરે પાંચ સબસ્ટેશન અને લગભગ 1100 CKM ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવવાની યોજના બનાવી છે, જેનો અંદાજિત ખર્ચ ₹1000 કરોડ છે. વધુમાં વર્ષ 2026-27માં DISCOM માટે AB કેબલ/MVCC નાખવાનો અંદાજિત ખર્ચ ₹375
કરોડ છે.
*‘દિવસે વીજળી મળવાથી જાનવરોનો ભય દૂર થયો, સમયનો પણ ખૂબ બચાવ થયો’ – કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી*
હિંમતનગર તાલુકાના કાંકરોલ ગામના ખેડૂત શ્રી જયેશ પટેલ, કે જેઓ હિંમતનગર મંડીના ચેરમેન પણ છે, તેઓ જણાવે છે કે, “પહેલા ખેડૂતોને રાત્રે વીજળી મળતી હતી, જેના કારણે રાત્રે પાણી વાળવા જવામાં તકલીફ પડતી હતી. પાણીનો વ્યય પણ ઘણો થતો હતો, ને રાત્રે જાનવરોનો ડર પણ રહેતો હતો.
હવે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષોથી અમને દિવસે વીજળી મળે છે, જેના થકી આ તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે. હવે ખેડૂતોને યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ખેતરમાં પાણી મળી રહે છે અને સમયનો પણ બચાવ થાય છે. આ માટે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સમગ્ર હિંમતનગર તાલુકાના ખેડૂતો વતી આભાર માનું છું.”
ઉલ્લેખનીય છે કે, કિસાન સૂર્યોદય યોજનાના અમલીકરણ થકી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી હોવાથી, તેઓ દિવસ દરમિયાન યોગ્ય સમયે ખેતરમાં સારી રીતે સિંચાઈ કરી શકે છે અને વધુ પાક ઉત્પાદન મેળવી શકે છે, જે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં પરિણમે છે. ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સતત મજબૂતીકરણ સાથે, રાજ્ય સરકાર કિસાન સૂર્યોદય યોજનાનું તબક્કાવાર અમલીકરણ ચાલુ રાખશે, જે ખેડૂતોને દિવસના સમયે વિશ્વસનીય અને ટકાઉ વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે.
