અસારવામાં ભવ્ય હેરિટેજ ગેટનું નિર્માણ: આ વિસ્તારની ઐતિહાસિક ઓળખને વધુ મજબૂત બનાવશે
શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અસારવા ગામમાં ભવ્ય હેરિટેજ ગેટનું ખાતમુહૂર્ત કરાયું
અસારવા વિધાનસભાના સ્થાનિક પ્રશ્નોનો ઝડપી ઉકેલ અને પ્રજાની સુખાકારી એ જનપ્રતિનિધિ તરીકેનો અમારો સંકલ્પ: સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના અસારવા વોર્ડમાં, અસારવા ગામનાં મુખ્ય દ્વાર પર નવા તૈયાર કરવામાં આવનાર ભવ્ય હેરિટેજ ગેટનું શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત કરવા આવ્યું હતુ. આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી દ્વારા ગામતળના વિકાસ માટે ફાળવવામાં આવેલા વિશેષ બજેટ અંતર્ગત આ હેરિટેજ ગેટનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, વણઉકેલાયેલા પ્રશ્નો જેવા કે, ઓમનગર અંડરબ્રિજના પ્રશ્ને રેલવે વિભાગ સાથે સફળ વાટાઘાટો કરી કામ પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

આ વિસ્તારની ઐતિહાસિક માતર ભવાનીની વાવ અને દાદા હરિની વાવના પુનઃવિકાસ માટે નેશનલ ઓથોરિટી સાથે સંકલન સાધીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથોસાથ અસારવા ચાલી વિસ્તારની વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો બદલવાની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. નવનિર્મિત હેરિટેજ ગેટની જાળવણી અને સ્વચ્છતા રાખવા માટે ગ્રામજનોને તેમણે અપીલ કરી સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, અસારવા વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે જનપ્રતિનિધિઓ સતત કાર્યરત છે, જેમાં અસારવા રેલવે સ્ટેશન ખાતે ચમનપુરા બાજુ નવો ગેટ બનાવવાની રજૂઆત તેમના દ્વારા રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ લોકસભામાં કરવામાં આવી છે.
આ ઉપરાંત, વિસ્તારના અંડરબ્રિજની સમસ્યાના નિરાકરણ માટે અધિકારીઓ સાથે બેઠક કરી આગામી સપ્તાહમાં સ્થળ મુલાકાતનું આયોજન પણ હાથ ધરાયું છે. અસારવા ગામમાં બની રહેલા હેરિટેજ ગેટની કામગીરી અને કોર્પોરેશન દ્વારા થતા રોડ, ગટર તથા પાણીના પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈને પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અસારવા વિધાનસભાને સુવિકસિત બનાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. મધ્ય ઝોનમાં પ્રદૂષણ નિવારણ અને માળખાગત સુવિધાઓ જેવી કે પાણી-ડ્રેનેજ લાઈન અને રોડ પેવિંગ માટે કુલ રૂ. 456 કરોડના કામો મંજૂર કરાયા છે.
અસારવા વોર્ડમાં મંગળદાસ હોલ અને વિઠ્ઠલદાસ પટેલ કોમ્યુનિટી સેન્ટરનું નવીનીકરણ તેમજ નવા અર્બન હેલ્થ સેન્ટરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, અસારવા વિસ્તારમાં અન્ય વિવિધ વિકાસ કામોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યોનો ઉદ્દેશ્ય અસારવા વિધાનસભાના નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, રિક્રિએશન કમિટીના ચેરમેન શ્રી જયેશભાઈ ત્રિવેદી, હેલ્થ કમિટી ચેરમેન શ્રી જશુભાઈ ઠાકોર, મટીરીયલ કમિટીના ચેરમેન શ્રી બળદેવભાઈ, કાઉન્સિલરશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
