Western Times News

Gujarati News

7 વર્ષની બાળકીની દીક્ષા અટકાવાઈ: કોર્ટની દરમિયાનગીરી બાદ મહોત્સવ મોકૂફ રખાયો

(એજન્સી)સુરત, સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાને લઈને સર્જાયેલો પારિવારિક અને ધાર્મિક વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યો છે. પિતાએ દીક્ષા અટકાવવા કરેલી અરજી બાદ સોમવારે (૨૨મી ડિસેમ્બર) કોર્ટમાં માતાએ ફોટોગ્રાફ્‌સ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે. હાલ કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં પિતા એવો દાવો કરી રહ્યા હતા કે તેની સંમતિ વગર દીક્ષા નક્કી કરવામાં આવી છે. જોકે, આજે સુનાવણી દરમિયાન માતાએ કોર્ટમાં ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા હતા. માતાએ એવા ફોટા બતાવ્યા જેમાં ચોથી ઓક્ટોબરના રોજ આચાર્ય ભગવંત પાસે જ્યારે દીક્ષાની અનુમતિ લેવામાં આવી, ત્યારે પિતા અને તેમનો પરિવાર ત્યાં હાજર હતો.

માતાએ રજૂ કરેલા પુરાવા સામે પિતાએ કોર્ટમાં પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, ‘તે સમયે હું માત્ર પત્નીની જીદ અને દબાણને વશ થઈને આશીર્વાદ લેવા ગયા હતા. ત્યારે દીક્ષાની કોઈ તારીખ કે વિધિ નક્કી થઈ નહોતી. દીક્ષાના અંતિમ મહોત્સવ વિશે મને મોડી માહિતી મળી, જેથી બાળકીની નાની ઉંમર અને ભવિષ્યને જોતા અમે કાયદાકીય રસ્તો અપનાવ્યો છે.

ફેમિલી કોર્ટે આ મામલાની ગંભીરતાને જોતા માતાને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે દીક્ષાની કોઈ પણ વિધિ કે પ્રક્રિયા અત્યારે આગળ વધારવી નહીં. માતાએ પણ એફિડેવિટ (સોગંદનામું) રજૂ કરીને હાલ દીક્ષા મોકૂફ રાખવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે, માતાના પુરાવા અને પિતાની લાગણીઓ વચ્ચે અત્યારે સાત વર્ષની બાળકીનું ભવિષ્ય કાયદાકીય ગૂંચમાં ફસાયું છે. આ ઘટના સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.