લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવાઇ
સુરેન્દ્રનગર, સરકાર શિક્ષણ પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે લીંબડી તાલુકાના ઉમેદપરની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે તેમની પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થી શાળાના પટાંગણમાં હાથમાં સાવરણા લઈને સફાઈ કરતા જોવા મળી રહ્યા છે.વાલીઓ પોતાના બાળકોને સારા શિક્ષણની આશાએ શાળાએ મોકલે છે, પરંતુ ઉમેદપર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં બાળકો પાસે શારીરિક શ્રમ અને સફાઈ કર્મચારી તરીકેનું કામ લેવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગની બેદરકારી ઉઘાડી પડી છે. નવાઈની વાત એ છે કે, આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા તેઓ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર મૌન સેવી રહ્યા છે.
સ્થાનિકોની માંગ છે કે, વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડી તેમની પાસે મજૂરી જેવું કામ કરાવતા જવાબદારો સામે કડક તપાસ કરી પગલાં ભરવામાં આવે. બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરતી આવી પ્રવૃત્તિઓ અટકાવી શાળામાં શિક્ષણનું વાતાવરણ જાળવવું અનિવાર્ય બન્યું છે.SS1MS
