અમરાઈવાડીમાં ૪ લોકોએ બે બાઈકને પેટ્રોલ છાંટી સળગાવી
અમદાવાદ, અમરાઇવાડીમાં ચાર શખ્સોએ તમે કેમ અમારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવા ગયા કહી યુવકની બાઇક સહિત બે બાઇકને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. બાદમાં અમારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપીને નાસી ગયા હતા.
આ અંગે યુવકે ચારેય શખ્સો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અમરાઇવાડીમાં રહેતા ભાવેશભાઇ સોલંકી શાહીબાગ આર્મી કેન્ટોન્મેન્ટમાં નોકરી કરે છે. ગત ૨૧ ડિસેમ્બરે રાત્રિના સમયે તેઓ સોસાયટીના સભ્યો સાથે ઊભા હતા ત્યારે રાહુલ અને ત્રણ અજાણ્યા શખ્સો તલવાર લઇને આવ્યા હતા. તે સમયે રાહુલે ભાવેશભાઇને તમે કેમ અમારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવા ગયા હતા કહીને ઝઘડો કર્યાે હતો.
બાદમાં ચારેય શખ્સોએ જોગમાયાનગરમાં પડેલી ભાવેશભાઇની બાઇક અને બાજુમાં પડેલા બાઇકને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. ચારેય હવે પછી અમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા જશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપીને નાસી ગયા હતા. આસપાસના લોકોએ પાણી છાંટીને આગ બૂઝાવી હતી. ભાવેશભાઇએ ચારેય શખ્સો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS
