રાંધેજા દર્શન કરી પરત જતા રિક્ષા પલટી, યુવતીનું મોત
ગાંધીનગર , ગાંધીનગરના રાંધેજા ખાતે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા કલોલના પરિવારની રિક્ષા પલટી ખાઇ જતાં આરતી નામની યુવતીનું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે તેની માતા સહિત અન્ય પાંચ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી.
આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વિગત મુજબ આશારામ ઘનપત પટવા (રહે- સોમનાથ સોસાયટી-૧, કલ્યાણપુરા, કલોલ)ના પત્ની ઉષાબેન, દીકરી આરતી તેમજ કલોલના ઇમ્તિયાજ અંસારી, જાસ્મિન અન્સારી, અંજલીબેન ત્રિવેદી તથા અવતાડે પદમોબન મધુકર રવિવારે રિક્ષામાં બેસી રાંધેજા ખાતે માતાજીના દર્શન કરવા ગયા હતા.
ત્યાંથી મોડી સાંજે પરત ફરતી વખતે રાંધેજા ફાટકથી રૂપાલ તરફ જતા રોડ પર રિક્ષા ચાલકે પૂરઝડપે ચલાવતા કાબુ ગુમાવી દેતા રિક્ષા રોડ સાઈડના પિલ્લર સાથે અથડાતા અકસ્માત થયો હતો. તેમાં આરતીને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જ્યારે ઉષાબેન સહિતના મુસાફરોને નાની મોટી ઇજા થઈ હતી.SS1MS
