ઈંગ્લેન્ડના ક્રિકેટરો પર ચાલુ સીરિઝે નશાખોરીનો આરોપ
File
ઇંગ્લેન્ડના ક્રિકેટરો પર સીરિઝની વચ્ચે સતત છ દિવસ સુધી દારૂના નશામાં હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે
નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયા સામેની પ્રતિષ્ઠિત એશિઝ સીરિઝમાં સતત ત્રણ ટેસ્ટ હારીને સીરિઝ ગુમાવનાર ઇંગ્લેન્ડની ટીમ હવે મેદાન બહારના વિવાદોમાં ફસાઈ છે. ઇંગ્લેન્ડના ક્રિકેટરો પર સીરિઝની વચ્ચે સતત છ દિવસ સુધી દારૂના નશામાં હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ અહેવાલો બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ એક્શનમાં આવ્યું છે.
આ મામલે ઈસીબીએ ટીમ ડિરેક્ટર રોબ કીને તપાસ સોંપી છે.અહેવાલો અનુસાર, ગાબામાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં શરમજનક હાર બાદ ઇંÂગ્લશ ખેલાડીઓએ રમત પર ધ્યાન આપવાને બદલે નશાખોરી કરવાનું પસંદ કર્યું હતું. આ ટેસ્ટમાં હાર પછી ત્રીજી ટેસ્ટ નવ દિવસ પછી રમાવાની હતી. આ દરમિયાન તેઓ ‘નૂસા’ નામના નાના શહેરમાં ચાર દિવસ રોકાવા માટે ગઈ હતી.
આ પ્રવાસ દરમિયાન ખેલાડીઓએ નવ દિવસના બ્રેકમાંથી સતત છ દિવસ દારૂ જ પીધો હતો. એટલું જ નહીં, તેઓ ત્રીજી ટેસ્ટ હોવા છતાં મોડી રાત સુધી પાર્ટીઓ કરતા રહ્યા હતા.ઇંગ્લેન્ડ ટીમના ડિરેક્ટર રોબ કીએ આ મામલે તપાસનું વચન આપતા જણાવ્યું હતું કે, ‘જો આ દાવા સાચા સાબિત થશે તો તે અત્યંત ગંભીર બાબત ગણાશે.
મેં છેલ્લા એક-બે દિવસમાં જે વાંચ્યું છે, જો તે સાચું હોય તો અસ્વીકાર્ય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોના સ્તરે આવી શિસ્તહીનતા યોગ્ય નથી. હું પોતે દારૂ પીતો નથી અને મારું માનવું છે કે આવી દારૂ પીવાની સંસ્કૃતિ કોઈ પણ સ્પોર્ટ્સપર્સનને મદદરૂપ થતી નથી.’
એકબાજુ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ત્રણ ટેસ્ટ જીતીને ૩-૦ની સરસાઈ સાથે એશિઝ સીરિઝ પર કબજો જાળવી રાખ્યો છે, ત્યારે બીજી તરફ ઇંગ્લેન્ડના ખેલાડીઓના આવા વર્તનને કારણે બ્રિટિશ મીડિયા અને પૂર્વ ક્રિકેટરો પણ રોષે ભરાયા છે. ક્રિકેટ ફેન્સનું કહેવું છે કે ટીમ મેદાનમાં સંઘર્ષ કરી રહી છે, ત્યારે ખેલાડીઓની આવી બેદરકારી અત્યંત શરમજનક છે. આ તમામ ક્રિકેટરો સામે કડક પગલાં લેવા જોઈએ.
નોંધનીય છે કે, ઈસીબીની તપાસમાં કોઈ ખેલાડી દોષિત જણાશે તો તેની સામે કડક દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત આગામી ટેસ્ટ મેચ પહેલા ટીમમાં મોટા ફેરફારની પણ શક્્યતા છે.
