ગુજરાત પોલીસમાં નવનિયુક્ત ૧૧,૬૦૭ ઉમેદવારોને પસંદગીપત્ર એનાયત
પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી, જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલા પોલીસ યાદ આવે છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
::મુખ્યમંત્રીશ્રી::
• પોલીસ બેડામાં નવા જોડાઈ રહેલા કર્મીઓ પણ “નાગરિક દેવો ભવ:”ના ધ્યેય સાથે ચરિતાર્થ કરશે
• જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલા પોલીસ યાદ આવે છે
• રાજ્ય સરકાર પોલીસ મોર્ડનાઈઝેશન તરફ ઝડપભેર આગળ વધી રહી છે.
• રાજ્ય વ્યાપી સી.સી.ટી.વી. નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આશ્વસ્થ – સાયબર સેફ પ્રોજેક્ટ જેવા આયામોથી પોલીસ દળ ટેકનોલોજી સભર થયું છે.
કોઈ નાગરિક પોતાની સમસ્યા સાથે આવે, ત્યારે તેમના દુઃખમાં સહભાગી બની તેમને પૂરા દિલથી મદદરૂપ થજો: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પોલીસ દળમાં નવા પસંદગી પામેલા યુવા પોલીસ કર્મીઓને પ્રેરણા આપતા કહ્યું કે, પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી પરંતુ જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે.
પોલીસ દળની ભરતીઓમાં ઉત્તીર્ણ થઈને ૩૧૦૦ જેટલી યુવતીઓ સહિત ૧૧ હજારથી વધુ યુવાઓ ટીમ ગુજરાતમાં જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબહેન પટેલ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પસંદગી પત્રો એનાયત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ યુવા અને ઉત્સાહ પ્રેરક નવી પસંદગી પામેલા પોલીસ કર્મીઓને માનવસેવાનો ધર્મ અને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હંમેશા હૈયે રાખીને ફરજરત રહેવાની શીખ આપી હતી.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કાયદાનો અમલ કરાવનાર પોલીસ કર્મી ફરજ પાલનમાં માનવ અધિકારોનું સન્માન, સંવૈધાનિક મૂલ્યનું પાલન અને નિષ્પક્ષતા જાળવવી આવશ્યક છે.
જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલા પોલીસ યાદ આવે છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વર્તનમાં સ્વયં વાણીમાં વિનમ્રતા અને કાર્યમાં નિષ્ઠાને જ પોલીસ સેવામાં પ્રાથમિકતા રાખવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ POLICE શબ્દનો જે આગવો મર્મ આપ્યો છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી તેમણે કહ્યું કે.. P એટલે પોલાઈટ, હંમેશાં જનતા પ્રત્યે નમ્ર, સહૃદયભાવ સાથે કામ કરતો હોય, O એટલે ઓબિડિયન્ટ, જે હંમેશાં તેના ઓફિસરની આજ્ઞામાં રહી ફરજ બજાવતો હોય, L એટલે લોયલ, ભારતના સંવિધાન, કાયદા-કાનૂનને વફાદાર રહી, તેને વળગીને કામ કરતો હોય તેવો લોયલ કર્મી, I એટલે ઈન્ટેલિજન્ટ, હંમેશાં સતર્ક હોય, બુદ્ધિચાતુર્યથી કામ લેતો હોય, C એટલે કરેજિયસ, કોઈ પણ સ્થિતિમાં હિંમત ન હારે, દરેક ફ્રન્ટ પર તે લડવા તૈયાર હોય, E એટલે એન્થુઝિઆસ્ટિક, ઉત્સાહી હોય, જનતાની સેવા-સલામતી માટે હરહંમેશ તત્પર હોય. રાષ્ટ્રહિત સર્વોપરિનો ભાવ હૈયે રાખતો હોય.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપેલા પોલીસના આ મર્મને પોલીસ બેડામાં નવા જોડાઈ રહેલા કર્મીઓ પણ “નાગરિક દેવો ભવ:”ના ધ્યેય સાથે ચરિતાર્થ કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્માર્ટ પોલિસીંગના વડાપ્રધાનશ્રીએ આપેલા વિચારને પાર પાડવા રાજ્ય સરકાર પોલીસ મોર્ડનાઈઝેશન તરફ ઝડપભેર આગળ વધી રહી છે તેની વિગતો આપી હતી. તેમણે ઉમેર્યું કે, રાજ્ય વ્યાપી સી.સી.ટી.વી. નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આશ્વસ્થ – સાયબર સેફ પ્રોજેક્ટ જેવા આયામોથી રાજ્યનું પોલીસ દળ ટેકનોલોજી સભર થયું છે.
નવા જોડાઈ રહેલા યુવાઓ પણ ટેકનોસેવી છે તેથી વધુ કેપેસિટી બિલ્ડીંગ થશે અને વિકસિત ભારત ૨૦૪૭માં વિકસિત – સુરક્ષિત – સમૃદ્ધ ગુજરાત લીડ લેશે તેવું તેમણે નવનિયુક્ત કર્મીઓને જણાવ્યું હતું.
નવનિયુક્ત ૧૧,૬૦૭ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસનો અભિન્ન અંગ બનવાની સાથે વર્દીના સ્વરૂપે આપ સૌને સમાજના દૂષણોને નાબૂદ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ છે. આ વર્દી આપણને દિવસ-રાત, ઠંડી-ગરમી, તહેવાર કે કુદરતી આફત જેવી કોઈપણ વિષમ પરિસ્થિતિમાં જનતાની સેવા અને સુરક્ષા માટે ખડેપગે રહેવાની તાકાત આપે છે.
આપ સૌ નવનિયુક્ત ઉમેદવારોએ નવી ઊર્જા અને નવા જુસ્સા સાથે એવી કામગીરી કરવાની છે, જેથી આ વર્દીની આબરૂ અને ગરિમામાં સતત વધારો થાય. જ્યારે પણ કોઈ નાગરિક પોતાની સમસ્યા લઈને તમારી પાસે આવે, ત્યારે તેમના દુઃખમાં સહભાગી બની તેમને મદદરૂપ થવા માટે પૂરા દિલથી પ્રયત્ન કરજો.
શ્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં પ્રથમવાર ઉમેદવારો પાસેથી નિમણૂક માટે જિલ્લાની પસંદગી માંગવામાં આવશે. પારદર્શક નિયમો હેઠળ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ઉમેદવારને પોતાના વતન જિલ્લામાં અથવા નજીકના જિલ્લામાં નિમણૂક મળી શકે. આ ઉપરાંત, તેમણે ઉમેર્યું હતું કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં નવી ભરતી માટેની શારીરિક કસોટી યોજાય તેવી તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.
ગુજરાત પોલીસ પરિવારનો હિસ્સો બનેલા જવાનોને પ્રેરણા આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, વર્દી ધારણ કર્યા પછી પણ એક સામાન્ય નાગરિકની જેમ હંમેશા તમારા ગામ, શહેર અને મિત્રો સાથે જોડાયેલા રહેજો. હોદ્દાના સંબંધો હોદ્દો હોય ત્યાં સુધી જ સીમિત હોય છે, પરંતુ સ્નેહ અને લાગણીના સંબંધો નિવૃત્તિ પછી પણ અકબંધ રહે છે. તમારા માતા-પિતાએ રાત-દિવસ મહેનત કરીને તમને આ મુકામ સુધી પહોંચાડવાનું જે સપનું સેવ્યું હતું, તે આજે સાકાર થયું છે. તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ અવશ્ય લેજો.
આ પ્રસંગે નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન આપતા મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે જણાવ્યું હતું કે, ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નીરજા ગોટરુ અને ટીમે એક પણ ફરિયાદ વગર સફળતાપૂર્વક સમગ્ર નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિવિધ વિભાગોમાં છેલ્લા એક મહિનામાં અંદાજે ૪૦ હજાર કરતા વધુ યુવાઓને નિમણૂક આપવામાં આવી છે.
મુખ્ય સચિવ શ્રી દાસે કહ્યું હતું કે, જ્યારે તમારી પાસે નાગરિકો આવે ત્યારે તમારી ફરજ માત્ર કાયદાનો અમલ કરવાનો નહિ પરંતુ ન્યાય અને માનવતાની રક્ષા કરવાનો છે. પોલીસનો ગણવેશ માત્ર સત્તા નહી, પરંતુ જાહેર વિશ્વાસનું પ્રતિક, ઈમાનદારી, શિસ્ત અને નાગરિકોના મનમાં સુરક્ષાની છાપ ઉભી કરે છે. કાયદાની રક્ષા માટે સખત થવું જરૂરી છે, પણ તે સાથે માનવતા અને સંવેદનશીલતા પણ એટલી જ જરૂરી છે. આમ સમાજની શાંતિ અને સુરક્ષા માટે તમારું યોગદાન અમૂલ્ય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પોલીસ દળની પારદર્શક રીતે ભરતી પૂર્ણ કરવા બદલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આપણે જ્યારે ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ના સંકલ્પની પરિકલ્પના કરીએ છીએ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે નાગરિકોને સુરક્ષા અને સલામતીની અનુભૂતિ થશે. નાગરિકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના ઉજાગર કરવા ગુજરાત પોલીસ વર્ષોથી પ્રશંસનીય કામગીરી કરી રહી છે. આ કામગીરીના પરિણામે ગુજરાત મોડેલની દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ચર્ચા થાય છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી નીરજા ગોટરુએ ગુજરાત પોલીસમાં પસંદગી પામેલા નવા ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ ભરતી પ્રક્રિયામાં રાજ્યમાંથી ૧૦ લાખ કરતા વધુ ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ભાગ લીધો હતો. શારીરિક કસોટી પૂર્ણ કર્યા પછી ૨.૪૫ લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી.
જેમાંથી ૩૨ હજારથી વધુ ઉમેદવારોનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પ્રોવિઝનલ લિસ્ટ તૈયાર કરીને લોકરક્ષક કેડરમાં કુલ ૧૧,૮૯૯ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી ૮,૭૮૨ પુરૂષ અને ૩,૧૧૭ મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા બાયોમેટ્રિક સહિત વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પારદર્શક રીતે આયોજિત કરવામાં આવી હતી તેમ શ્રી નીરજા ગોટરુએ જણાવ્યું હતું.
આ પસંદગી પત્ર એનાયત સમારોહમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પોલીસ મહાનિર્દેશક CID ક્રાઇમ એન્ડ રેલવેઝ ડૉ. કે.એલ.એન. રાવ, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, શ્રી રાજુ ભાર્ગવ, ગૃહ સચિવ સુશ્રી નિપુણા તોરવણે, પોલીસ વિભાગના અધિકારી– કર્મચારીઓ સહિત પોલીસ વિભાગમાં ભરતી પામેલા ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
