ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓના અદ્ભુત શૌર્ય અને બલિદાનની સ્મૃતિમાં ગુજરાતમાં ઉજવાશે “વીર બાલ દિવસ”
આજથી આગામી તા. ૨૭ ડિસેમ્બર દરમિયાન રાજ્યભરમાં “વીર બાલ દિવસ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે
શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદસિંહજીના પુત્રો-સાહિબજાદાઓના અદ્ભુત શૌર્ય અને બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે ૨૬મી ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના બાળકો અને યુવાનોમાં વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિની ભાવના વિકસાવવાનો છે.
ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ‘વીર બાલ દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે આજથી આગામી તા. ૨૭ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન વિવિધ પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ રાજ્ય સરકારના વિવિધ મંત્રીશ્રીઓ, પદાધીકારીશ્રીઓ, સામાજિક અગ્રણીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આટલું જ નહિ, આ ઉજવણી દરમિયાન રાજ્યની તમામ સરકારી તથા ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રાર્થનાના સમયે ‘વીર બાલ દિવસ’ના વિષયને અનુરૂપ વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં સાહસ અને બલિદાનની ભાવના જાગૃત કરવા માટે વકતૃત્વ સ્પર્ધા, વક્તવ્યો અને નાટક-ડ્રામાનું પણ શાળા-કોલેજોમાં આયોજન કરવામાં આવશે. વીર બાલ દિવસની આ ઉજવણી દ્વારા નવી પેઢીમાં સાહસ, આત્મબલિદાનની પ્રેરણા અને દેશ માટે ગર્વની ભાવના વધુ દ્રઢ થશે.
