ગિફટ સિટીમાં સોનું નિગમનો કાર્યક્રમ જોવા માટે ખોટી ઓળખ આપી
હાઈકોર્ટના જજના જમાઈની ઓળખ આપી મ્યુઝિક કોન્સર્ટના પાસ લેવા ગયેલો યુવક પકડાયો
(એજન્સી)ગાંધીનગર, ગિફટ સિટીમાં સોનું નિગમનો કોન્સર્ટ જોવા હાઈકોર્ટના જજનો જમાઈ બની પાસ લેવા એલસીબી પીઆઈ પાસે ગયેલા અમદાવાદ વસ્ત્રાપુરના જય જીગ્નેશ શાહ નામના યુવકને પોલીસે ઝડપી લીધો હતો અને તેની સામે સેકટર-ર૧ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારનો જય જીગ્નેશ શાહ નામનો શખ્સ રવિવારે બપોરે ગાંધીનગર એલસીબી-રની ઓફિસે પહોંચ્યો હતો અને હાજર પોલીસકર્મીઓને કહ્યું હતું કે, હું ગુજરાત હાઈકોર્ટના જજ સાહેબનો જમાઈ છું અને મારે પીઆઈ સાહેબને મળવું છે. પોલીસકર્મી તેને પીઆઈ એચ.પી.પરમાર પાસે લઈ ગયો હતો.
ત્યાં તેણે જજના જમાઈ તરીકે ઓળખ આપી ગિફટ સિટીમાં સોનું નિગમના કોન્સર્ટના પાસની માંગ કરી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના સસરાએ આ બાબતે અગાઉ પીઆઈને ફોન પણ કર્યો હતો. જો કે, તેની વર્તણૂંક શંકાસ્પદ જણાતા પીઆઈ પરમારે મોબાઈલ પર બે અલગ અલગ નંબરથી આવેલા ફોન નંબર ચકાસ્યા હતા જેમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ જજ તરીકે આપી અને બીજાએ તેમના જમાઈ તરીકે આપી હતી.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ બન્ને નંબર સામે બેઠેલા જય જીગ્નેશ શાહ પાસે જ હતા. પીઆઈએ આ અંગે હાઈકોર્ટમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવકે જણાવેલા નામના કોઈ વ્યક્તિ જજ તરીકે ફરજ બજાવતા નથી. પોલીસે જ્યારે તેનો મોબાઈલ ચેક કર્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
જેમાં યુવક જજના નામથી અનેક લોકોને મેસેજ કર્યા હતા અને તેનું વોટ્સએપ આઈડી પણ જજના નામથી બનાવ્યું હતું. પોલીસની કડકાઈ દાખવતા જય જીગ્નેશ શાહે કબૂલાત કરી હતી કે તેને મફતમાં સોનું નિગમનો કોન્સર્ટ જોવો હોવાથી નકલી ઓળખ ઊભી કરી હતી.
પોલીસે આરોપી જય જીગ્નેશ શાહ પાસેથી બે મોબાઈલ ફોન અને એક કાર જપ્ત કરી છે. આ પ્રકારની છેતરપિંડી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા સેકટર-ર૧ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
