Western Times News

Gujarati News

નળસરોવર પક્ષી અભયારણ્યમાં જૈવ વિવિધતાના સંરક્ષણ માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અભિયાનનો પ્રારંભ

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી, સ્વાસ્થ્યમાં સુધારો કરવો અને પ્લાસ્ટિક કલેક્શન, પ્રોસેસિંગ તેમજ રિસાયકલિંગ દ્વારા સુવ્યવસ્થિત વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરવાનો છે.

નવા શાહપુર ગામેથી શરૂ થયેલ વિશેષ કાર્યક્રમમાં વહીવટી તંત્ર અને સંસ્થાઓ દ્વારા મોટા વેસ્ટ કલેક્શન બિન મૂકી સમગ્ર વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવાનું આયોજન

નળસરોવર પક્ષી અભયારણ્યની આસપાસના ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા 19 ગામો અને 36 સેટેલાઇટ વેટલેન્ડ્સ સુધી અભિયાનનું વિસ્તરણ કરાશે

Ahmedabad, ગુજરાત વન વિભાગ હસ્તકના વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યની જૈવ વિવિધતા જળવાઈ રહે તે હેતુથી પ્લાસ્ટિક મુક્ત અભિયાનની એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નળસરોવર પક્ષી અભયારણ્ય (વન્યજીવ વિભાગ-સાણંદ), ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ પ્રા.લી.ના સંયુક્ત ઉપક્રમે વિરમગામ તાલુકાના નવા શાહપુર ગામેથી આ વિશેષ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રકલ્પ અંતર્ગત નવા શાહપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 150 જેટલા સ્થાનિક રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તકે સ્થાનિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને પ્લાસ્ટિક કલેક્શન માટે ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વહીવટી તંત્ર અને સંસ્થાઓ દ્વારા સ્થાનિક જાહેર સ્થળો પર મોટા વેસ્ટ કલેક્શન બીન મૂકીને સમગ્ર વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવાનું આયોજન હાથ ધરાયું છે. અહીં એકત્રિત કરવામાં આવેલો પ્લાસ્ટિક કચરો વન વિભાગ દ્વારા નવનિર્મિત પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ યુનિટમાં મોકલવામાં આવશે, જ્યાં તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયકલ કરવામાં આવશે.

આ ભગીરથ કાર્યક્રમ આગામી સમયમાં નળસરોવર પક્ષી અભયારણ્યની આજુબાજુના ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા 19 ગામો અને 36 સેટેલાઇટ વેટલેન્ડ્સ સુધી વિસ્તૃત કરવામાં આવશે, જેની શરૂઆત આજે પ્રથમ તબક્કે નવા શાહપુર ગામથી કરવામાં આવી છે.

આ પ્રસંગે વન વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. સક્કિરા બેગમ આર., ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિભાઈ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ પ્રા.લી.ના સીએસઆર પ્રતિનિધિ શ્રીમતી સંપાદાસ ઘોષ, શ્રી ચેતન રાઠોડ તેમજ બોસ ઇન્ડિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો અને ગ્રામજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.