Western Times News

Gujarati News

ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો

મુંબઈ, તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધુરંધરમાં બલોચ સમાજ સંબંધિત ડાયલોગ પર રોક લગાવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મમાં કથિત ડાયલોગથી બલોચ સમુદાયની લાગણી દુભાઇ છે.

અરજદાર યાસીન અલ્લારખા બલોચ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મમાં વિવાદિત પ્રકારનો ડાયલોગ સામેલ કરવા બદલ ડિરેક્ટર આદિત્ય ધાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષને ફિલ્મની ફરીવાર સમીક્ષા કરવા અને બંધારણીય માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ આપે.‘ડાયલોગના પ્રદર્શન અને પ્રસાર પર રોક લગાવો’આ સાથે જ અરજીમાં તમામ પ્લેટફોર્મ પર વાંધાજનક ડાયલોગ પ્રદર્શન અને પ્રસાર પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.

આ ડાયલોગને ફિલ્મથી દૂર કરવામાં અથવા તેમાં ફેરફાર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ડાયલોગ બંધારણની કલમ ૨૧ હેઠળ જીવન અને ગૌરવના અધિકારનું ઉલ્લંઘન કરે છે, કારણ કે તે સમગ્ર વંશીય જૂથને સ્વાભાવિક રીતે અવિશ્વસનીય ગણાવે છે, તેવો દાવો અરજદાર તરફથી કરવામાં આવ્યો છે.

અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે વિવાદિત ડાયલોગના સતત પ્રસારણથી પૂર્વગ્રહને અને સામાજિક દુશ્મનાવટને ઉશ્કેરવાનું જોખમ વધી શકે છે, જે જાહેર વ્યવસ્થા અને સાંપ્રદાયિક સંવાદિતા માટે ખતરા સમાન છે.

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત અને રણવીર સિંહ અભિનીત ફિલ્મ “ધૂરંધર” ૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અરજદારનો દાવો છે કે બલોચ સમુદાય વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી વિશે તેમને ફિલ્મની રિલીઝ પછી જ ખબર પડી હતી.

‘હંમેશાં બોલતા હૂં બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં.’ તાજેતરમાં આદિત્ય ધરના નિર્દેશન હેઠળ રીલીઝ થયેલી ‘ધુરંધર’ ફિલ્મમાં આ ડાયલોગને લઈ જૂનાગઢ બલોચ મકરાણી સમાજ નારાજ છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્તે એક સંવાદ વખતે આ ડાયલોગ બોલ્યો જેથી બલોચ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. બલોચ સમાજ દ્વારા ખાસ આ ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ફિલ્મ ‘ધુરંધર’ સામે જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ ફિલ્મનાં અભિનેતા, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેમનું કહેવું હતું કે અભદ્ર ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે, ફિલ્મમાં સમાજનું અપમાન કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે બલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે ગુજરાતમાં તેમની ૮ લાખથી વધુની વસ્તી છે, અને એકલા જૂનાગઢમાં ૨૫ હજારથી વધુ બલોચ સમાજના નાગરિકો વસવાટ કરે છે ત્યારે ફિલ્મી ડાયલોગના કારણે છંછેડાયેલો આ વિવાદનો મધપૂડો આગામી સમાજમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.