અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની પ્રથમ ડિજીટલયુક્ત મહાનગરપાલિકા બનશે
AI Image
સામાન્ય સભામાં કોર્પોરેટરની બેઠકો પર ટેબલેટ મૂકવામાં આવશે : દેવાંગ દાણી
અમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની સૌપ્રથમ ડિજીટલયુક્ત મહાનગરપાલિકા બનશે. અમદાવાદ મહાનગરપાલિકામાં દર મહિને સામાન્ય સભાનું આયોજન થતું હોય છે, તે અંતર્ગત બોર્ડમાં હવે પછીથી ડિજીટલ ઇન્ડિયાનાં ભાગરૂપે સમગ્ર કાર્યવાહી પેપરલેસ થશે. તેમાં લગભગ 500 જેટલી એજન્ડાની નકલો બોર્ડનાં મેમ્બર્સને અને 300 જેટલી નકલો કોર્પોરેટરોના ઘરે મોકલવામાં આવે છે અને જેનો સભામાં ઉપયોગ થાય છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં વિઝન હેઠળ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઇ શાહનાં નેતૃત્વ હેઠળ ડિજીટલ ઇન્ડિયાના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતનું પ્રથમ શહેર બનશે, જ્યાં સમગ્ર બોર્ડને ડિજીટલ સ્વરૂપે પેપરલેસ ચલાવવામાં આવશે.
જે માટે બોર્ડમાં કોર્પોરેટરની બેઠકો પર ટેબલેટ મૂકવામાં આવશે, પરિણામે AMCના એજન્ડાનું વાંચન ટેબલેટ દ્વારા કરી શકાશે. AMCનો આ નિર્ણય કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને પેપરનો બચાવ કરવા તેમજ પર્યાવરણને બચાવવાના ઉદ્દેશ્યથી લેવાયો છે. આ રીતે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ જ્યારે દેશ પ્રગતિ કરી રહ્યો હોય ત્યારે મહાનગરપાલિકાની પણ પ્રગતિની તાકીદ રહેશે કે આપણું બોર્ડ પણ પેપરલેસ ડિજીટલ યુક્ત બનશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અમદાવાદમાં નગર શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોની વાત કરતા તેમણે કહ્યું કે, અમદાવાદમાં નગર શિક્ષણ સમિતિ સંચાલિત 483 જેટલી સ્કૂલો તેમજ ગાંધીનગર લોકસભાની સ્કૂલોને સ્માર્ટ સ્કૂલો તરીકે સ્થાપિત કરાઇ છે. હવે પૂર્વ અને પશ્ચિમ લોકસભાની મોટાભાગની 90 ટકા સ્કૂલો સ્માર્ટ સ્કૂલો થઇ ગઇ છે.
આ સ્કૂલોમાં ગણિત અને વિજ્ઞાનની પ્રયોગશાળા, રિડિંગ માટે આધુનિક ક્લાસરૂમ, તેમજ સ્કૂલની તમામ દિવાલો પર 3ડી પ્રિન્ટિગ અને ક્લાસ બોર્ડ મૂકાયાં છે. આ તમામ સ્કૂલોમાં અભ્યાસ કરતાં 1 લાખ 80 હજાર જેટલા તમામ વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
