ઉત્તરપ્રદેશમાં બાવન બ્રાહ્મણ ધારાસભ્યોની બંધ બારણે બેઠક
(એજન્સી)લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને તમામ પક્ષોના ધારાસભ્યો રાજધાની લખનૌમાં છે. ભાજપના ધારાસભ્યો પણ લખનૌમાં છે અને હવે શિયાળાની ઋતુમાં પણ બ્રાહ્મણ ધારાસભ્યોના એકત્રીકરણથી રાજકીય તાપમાન વધી ગયું છે. મંગળવારે સાંજે, ભાજપ અને અન્ય પાર્ટીના ૫૨ બ્રાહ્મણ ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો લખનૌમાં એકઠા થયા હતા અને બંધ રૂમમાં મળ્યા હતા.
ભાજપ ધારાસભ્યો સાથે અન્ય પાર્ટીના ધારાસભ્યોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બ્રાહ્મણ ધારાસભ્યો અને સ્ન્ઝ્રજનો મેળાવડો કુશીનગરના ધારાસભ્ય પંચાનંદ પાઠકના નિવાસસ્થાને યોજાયો હતો. તેને સહભોજ નામ આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પૂર્વાંચલ અને બુંદેલખંડના ધારાસભ્યો પહોંચ્યા હતા.
ધારાસભ્યોનું કહેવું છે કે તે સહભોજ હતો, કોઈ મીટિંગ નહીં. મિર્ઝાપુર નગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રત્નાકર મિશ્રાનું આ અંગે નિવેદન બહાર આવ્યું છે. મિર્ઝાપુર નગરના ધારાસભ્ય રત્નાકર મિશ્રાએ કહ્યું કે, કુશીનગરના ધારાસભ્ય પંચાનંદ પાઠકે આ આયોજન કર્યું હતું.
જેમાં લગભગ ચાર ડઝન બ્રાહ્મણ ધારાસભ્ય સામેલ હતા. આ દરમિયાન કોઈ રાજકીય ચર્ચા નહતી થઈ. અમે બધા ફક્ત બેઠા હતા, ભોજનનું આયોજન હતું. અમે બધાએ ભોજન લીધું અને ત્યાર બાદ બધી નીકળી ગયા. કંઇ ખાસ નહતું. જેમ બધાં બેસે છે, તેમ અમે બેઠા અને ભોજન લીધું.
આ સહભોજમાં ધારાસભ્ય રત્નાકર મિશ્રા સાથે જ શલભમણિ ત્રિપાઠી, ધારાસભ્ય ઉમેશ દ્વિવેદી પણ હાજર રહ્યા. આ તમામ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પણ ઘણાં નજીકના માનવામાં આવે છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાના ગત ચોમાસું સત્ર દરમિયાન પણ આવું જ એક આયોજન ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું.
ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચોમાલું સત્ર દરમિયાન ઠાકુર ધારાસભ્યો ભેગા થયા હતા, જેને કુટુંબનું નામ આપવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ સાથે જ અન્ય પાર્ટીઓના ઠાકુર ધારાસભ્યએ પણ આ મેળાવડામાં હાજરી આપી હતી. ધારાસભ્યોએ આ કાર્યક્રમને પરિવારના પુનઃમિલન તરીકે વર્ણવ્યો હતો. આ બેઠકને તે જ ઘટનાનો પ્રતિભાવ માનવામાં આવી રહી છે.
