અમદાવાદ ફ્લાવર શોઃ VIP એન્ટ્રી સવારે ૯થી ૧૦ અને રાત્રે ૧૦થી ૧૧ રહેશે
File
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા પ્રખ્યાત ‘ફ્લાવર શો’ને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે ફ્લાવર શોની ટિકિટના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ટિકિટમાં રૂ.૧૦નો વધારો થયો છે, જ્યારે ભીડથી બચવા માંગતા લોકો માટે ‘પ્રાઇમ સ્લોટ’ની વ્યવસ્થા પણ યથાવત્ રખાઈ છે.
અમદાવાદમાં ફ્લાવર શોની ટિકિટના ભાવ વધ્યા છે. સામાન્ય દિવસોમાં ટિકિટના ભાવ ૮૦ રૂપિયા શનિ-રવિમાં એટલે રજાના દિવસોમાં ટિકિટનો ભાવ ૧૦૦ રૂપિયા કરાયો છે. ગત વર્ષ કરતાં ટિકિટ ૧૦ રૂપિયા મોઘી છે. પ્રાઇમ સ્લોટની ટિકીટનો ભાવ ૫૦૦ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે આ ભાવ ૧૨ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો માટે નથી તેઓ મફતમાં ફ્લાવર શોની મજા માણી શકશે સાથે એએમસી સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ માટે ટિકિટનો દર ૧૦ રૂપિયા નક્કી કરાયો છે. સાથે સૈનિક અને દિવ્યાંગો ફ્લાવર શોમાં ફ્રીમાં એન્ટ્રી કરી શકશે આ ઉપરાંત ગત વર્ષના જેમ આ વર્ષે પણ સવારે ૯થી ૧૦ અને રાત્રે ૧૦થી ૧૧ પ્રાઇમ સ્લોટ રાખવામાં આવ્યો છે.
જેમાં લોકો ભીડભાળ વગર ફ્લાવર શો માણી શકશે જેની ટિકિટ ૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે. એએમસીના જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે, ૧૨ વર્ષથી ઉપરના માટે ૮૦ રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે શનિ રવિ અને જાહેર રજાના દિવસે ૧૦૦ રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોની ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે
એએમસી સિવાયના જે સ્કૂલો છે એના બાળકો માટે સોમથી શુક્રવાર સવારે નવથી એક દરમિયાન ૧૦ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે પ્રાઇમ સ્લોટ જે ગત વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો તો એને આ વખતે યથાવત્ રાખ્યો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા ઉમટી પડે છે.
આ વર્ષે પણ વિવિધ આકારો અને વિદેશી ફૂલોના આકર્ષણ જોવા મળશે. જોકે, ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક ભાર વધશે તેવું મનાઈ રહ્યું છે.
