સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર અને નાયબ મામલતદારના ૧ જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
તપાસમાં ખુલાસો થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન એનએ કરાવવાનું મોટું નેટવર્ક ચાલતું હતું
(એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં બહુચર્ચિત જમીન સંપાદન અને બિનખેતી કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના ચાર આરોપીઓને આજે અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના ૧ જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ મની લોન્ડરિંગ કેસમાં ઊંડી તપાસ કરવા માટે આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. ઈડી એ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ કૌભાંડના મૂળ અત્યંત ઊંડા છે અને તેમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો થયા છે, જેની તપાસ માટે કસ્ટડી જરૂરી છે.
તપાસમાં ખુલાસો થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન એનએકરાવવાનું મોટું નેટવર્ક ચાલતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પાડેલા દરોડા દરમિયાન ઈડી ને રૂ.૬૭.૫૦ લાખની રોકડ મળી આવી હતી.
રોકડની સાથે અનેક વાંધાજનક દસ્તાવેજો અને મિલકતના કાગળો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે સીધી રીતે આ કૌભાંડ તરફ ઈશારો કરે છે. ઈડી હવે આ મામલે પકડાયેલા અધિકારીઓની પૂછપરછ કરશે કે આ નાણાં ક્યાંથી આવ્યા અને તેમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ કેટલાક ખુલાસા થવાની શક્્યતા છે.
મંગળવાર વહેલી સવારથી જ ઈડી ની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા. રાજેન્દ્ર પટેલ (સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર), ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર) (ધરપકડ કરાઈ), મયુરસિંહ ગોહિલ (એનએ શાખાના ક્લાર્ક), જયરાજસિંહ જાડેજા કલેક્ટરના પીએ (લખતર સ્થિત નિવાસસ્થાન) અને ડી. ચેતન કણઝરીયા વકીલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર જમીન સંપાદન અને બિનખેતી કરવાની પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની અરજી ઈડી ને મળી હતી. આ તપાસમાં ઈડી એ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, ઈડી ની ટીમે તપાસ દરમિયાન એસીબીના અધિકારીઓ અને એક સોનીને પણ બોલાવ્યા હતા, જે સંપત્તિ અથવા રોકડના મોટા વ્યવહારો તરફ ઇશારો કરે છે. જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને જ ઈડી ત્રાટકતા આખા જિલ્લાના સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ સમગ્ર કેસમાં સૌથી શંકાસ્પદ પાસું એ છે કે, ઈડી ના દરોડા પડ્યા તેના માત્ર ત્રણ દિવસ પહેલા જ કલેક્ટર રાજેન્દ્ર પટેલે અચાનક એનએ(બિનખેતી) શાખાને વિખેરી નાખી હતી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી.
હાલમાં ચંદ્રસિંહ મોરીને અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ઈડી દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓના આધારે આગામી દિવસોમાં અન્ય મોટા માથાની પણ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
