Western Times News

Gujarati News

બગોદરા-તારાપુર હાઇવે પર દંપતી સાથે લૂંટનો ભેદ ઉકેલાયો

પ્રતિકાત્મક

દંપતીની લૂંટનો ભેદ ઉકેલાયો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે બે રીઢા આરોપીઓને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બગોદરા,  અમદાવાદ જિલ્લાના બગોદરા તારાપુર હાઈવે પર બે દિવસ અગાઉ થયેલી સનસનાટીભરી લૂંટના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. દંપતીની લૂંટનો ભેદ ઉકેલાયો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે બે રીઢા આરોપીઓને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બગોદરા પાસે બે દિવસ અગાઉ વડોદરાથી સુરેન્દ્રનગર પોતાના વતન જઈ રહેલા એક દંપતીને લૂંટારૂઓએ નિશાનો બનાવ્યા હતા. જેમાં બે શખસોએ દંપતીને આંતરી, ડરાવી-ધમકાવી લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

જે અંગે બગોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને જોતા અમદાવાદ ગ્રામ્ય અને બગોદરા પોલીસની સંયુક્ત ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.

જેમાં સ્ટેટ કન્ટ્રોલ દ્વારા સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપી નાકાબંધી કરવામાં આવી હતી. જેમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું દબાવ્યું હતું. ગણતરીના કલાકોમાં જ લૂંટ ચલાવનાર બે આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે હાઈવે પર લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

જેમાં પોલીસે લૂંટ કરનાર વડોદરાના રહેવાસી ગોવિંદભાઈ ધર્મેશભાઈ વાઘેલા અને કમલેશભાઈ રમેશભાઈ સલાટ (વાદી)ને ઝડપીને કાર, બે મોબાઈલ, રોકડા અને લૂંટમાં વપરાયેલી સ્કોર્પીયો કાર સહિત મુદ્દામાલ કબજે કર્યો છે.મળતી માહિતી અનુસાર, વડોદરાથી સુરેન્દ્રનગર સ્થિત પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની જ્યારે બગોદરાથી માત્ર ૨ કિલોમીટર દૂર હતા, ત્યારે આ લૂંટનો બનાવ બન્યો હતો.

હાઈવે પર અચાનક ત્રાટકેલા બે અજાણ્યા શખસોએ દંપતીને આંતર્યું હતું અને હુમલો કર્યો હતો. લૂંટારૂઓએ ભોગ બનનાર જય પરમારને માર મારીને તેમની કાર, બે મોબાઈલ ફોન ૮ હજાર રૂપિયા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.