માતાના વિરહમાં પુત્રએ પોઇચા બ્રિજ પરથી મારી છલાંગ;
AI Image
મમ્મીની બહુ યાદ આવે છે માટે આપઘાત કરવા જાઉં છું -મોટાભાઈના મોબાઇલ પર મેસેજ કરી જણાવ્યું પપ્પાનું ધ્યાન રાખજે…’ કહી યુવકે મોત મીઠું કર્યું
છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના દિવાળીપુરા ગામના યુવાને ૨૦ વર્ષ પહેલા મૃત્યુ પામેલી માતાની યાદમાં નર્મદા જિલ્લાના પોઇચા બ્રિજ ઉપરથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું છે.
સંખેડાના દિવાળીપુરા ગામનો હાર્દિક સુરેશભાઈ વસાવા (ઉ.વર્ષ ૨૦) એ તેના જન્મના બે ત્રણ મહિનામાં માતાની છત્રછાયા ગુમાવી હતી. અને પોતે પોતાની માતાને સારી રીતે જુએ અને સમજે એ પેહલા જ હાર્દિકે માતાની છત્રછાયા ગુમાવી હતી.
૨૦ વર્ષ બાદ માતાની યાદ આવતા તેના મોટાભાઈ જીગર વસાવાને તારીખ ૨૨ ડિસેમ્બરના રોજ બપોરે મેસેજ કરી જણાવ્યું હતું કે, ‘તારું અને પિતાનું ધ્યાન આપજે અને એમને સાચવજે. મને મમ્મીની બહુ યાદ આવે છે.’ મોબાઈલ પર આવો મેસેજ જોઈને મોટોભાઈ જીગર વસાવા ડઘાઈ ગયો હતો અને પોતાના ભાઈને ફોન કરવા લાગ્યો. પરંતુ હાર્દિકે કોઈનો ફોન ન ઉઠાવ્યો.
આખરે પરિવારના સભ્યોએ હાર્દિકની શોધખોળ કરતા પોઇચા બ્રિજ પાસે સ્વેટર અને હાર્દિકનું બેગ મળી આવ્યું હતું. એટલું જ નહિ, હાર્દિકે આપઘાત પહેલા તમામ સગા સંબંધીઓ પરિવારના સભ્યોને ‘ગુડ બાય’ના મેસેજ કર્યા અને પોતાના ફોનમાં સ્ટેટ્સ પણ મૂક્્યું કે, ‘હું જાવ છું’ અને પછી પોઇચા બ્રિજ પરથી મોતની છલાગ લાવી દીધી.
હાર્દિક એક અઠવાડિયાથી વડોદરામાં એક દુકાનમાં નોકરી પર લાગ્યો હતો અને સારી રીતે નોકરી પણ કરતો હતો. પરિવારના સભ્યોને પણ જણાવ્યું હતું કે, નોકરી બહુ સારી છે અને ગમે છે. પરંતુ ઘરે આવ્યા બાદ ૨૨-૧૨-૨૦૨૫ ના રોજ ઘરેથી નોકરી જવા માટે નીકળ્યો હતો. પરંતુ નોકરી પર ગયો નહિ અને મોટાભાઈ જીગર પર મેસેજ કરી જણાવ્યું કે, ‘મને મમ્મીની બહુ યાદ આવે છે’ તેમ જણાવ્યું.
જેને મોતાની માતાનો બચપણનો લાડ જોયો જ ન હતો અને મમ્મીની છત્રછાયા ગુમાવી. આજે ૨૦ વર્ષ બાદ માતાની યાદ આવતા યુવાને મોતને વ્હાલું કરવા પોઇચા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી દીધી. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાર્દિકની શોધખોળ નર્મદા નદીમાં કરવામાં આવી રહી છે, પરંતુ હાર્દિકનો કોઈ પતો હજુ લાગ્યો નથી.
