રોડના કામો અધૂરા છતાં કોન્ટ્રાક્ટરને પાંચ કરોડ ભાવવધારો આપવા હિલચાલ
પ્રતિકાત્મક
ફક્ત ૩૨ ટકા કામ કરનાર કોન્ટ્રાક્ટર ફોર્ચ્યુન બિલ્ડર્સ સામે શિક્ષાત્મક પગલાં નહીં
(પ્રતિનિધિ) અમદાવાદ , AMC દ્વારા શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા રસ્તા નવા બનાવવા રીગ્રેડ કરી રોડ રીસરફેસ કરવા માટે રૂ. ૨૪ કરોડ, ૮૯ લાખના ખર્ચે ટેન્ડર મંજૂર કરીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા
પછી અત્યાર સુધીમાં ફક્ત ૩૨ ટકા જ રોડ રીસરફેસની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર ફોર્ચ્યુન બિલ્ડર્સને પેનલ્ટી કરવા સહિત શિક્ષાત્મક પગલાં લેવાને બદલે તે જ કોન્ટ્રાક્ટરને રોડ રીસરફેસની કામગીરી ઝડપી કરવા માટે રૂ. ૫ કરોડના વધારો આપીને કુલ રૂ. ૩૧ કરોડ, ૭ લાખ મંજૂર કરવા માટેની હિલચાલને પગલે વિવાદ સર્જાયો છે. આ પ્રકારે ગોકળગાયની ગતિએ રોડ રીસરફેસની કામગીરીને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તા. ૨૬ ડિસેમ્બરના રોજ યોજાનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. છસ્ઝ્ર કમિશનર બંછાનિધિ પાની અને સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ રોડના કામો ઝડપથી પૂરા કરવા માટે વારંવાર સૂચના આપી હોવા છતાં રોડની કામગીરી પૂરી નહીં થવાને કારણે શહેરમાં બિસ્માર રસ્તાઓ જોવા મળે છે.
શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં વિવિધ રસ્તાઓ નવા બનાવવા રીગ્રેડ કરી રોડ રીસરફેસ કરવા માટે રૂ. ૨૪ કરોડ, ૮૯ લાખથી વધુના ખર્ચે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું અને વર્ક ઓર્ડર આપીને કોન્ટ્રાક્ટર ફોર્ચ્યુન બિલ્ડર્સને કામગીરી સોંપવામાં આવી હતી.
મ્યુનિસિપલ ઈજનેર વિભાગના નક્કી કરાયેલા ખર્ચ અંદાજની સરખામણીએ ૨૪.૫૦ ટકા વધુ ભાવનું ટેન્ડર તા. ૧૫ મે, ૨૦૨૫ના રોજ મંજૂર કરીને ૨૪.૮૦ ટકા વધુ ભાવે તા.૨૫ મે, ૨૦૨૫ના રોજ કોન્ટ્રાક્ટર ફોર્ચ્યુન બિલ્ડર્સને રૂ. ૨૪.૮૯ કરોડના કામનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર ફોર્ચ્યુન બિલ્ડર્સ દ્વારા મંથરગતિએ રસ્તાઓ નવા બનાવવા રીગ્રેડ કરી રોડ રીસરફેસ કરવામાં આવી રહી હોવાને કારણે અત્યાર સુધીમાં માત્ર ૩૨ ટકા જ રોડ રીગ્રેડ અને રીસરફેસ થઈ શક્યા છે.
