શિફ્ટ પતી ગઈ એટલે પ્લેન મૂકીને જતો રહ્યો ઈન્ડિગોનો પાયલટ
File Photo
(એજન્સી)વારાણસી, વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર મંગળવારે ઇન્ડિગો એરલાઇન્સની કોલકાતા જતી ફ્લાઇટ રદ થઈ ગઈ. ધુમ્મસના કારણે કોલકાતાથી વારાણસી આવતું વિમાન બપોરે ૧ઃ૦૦ વાગ્યાની બદલે સાંજે ૫ઃ૦૦ વાગ્યે પહોંચ્યું.
મોડું થવાના કારણે પાયલટ અને ચાલક દળે ડ્યુટીનો સમય પૂરો થવાનું કહીને વિમાન ઉડાડવાનો ઇનકાર કરી દીધો. જેના કારણે ૧૭૯ મુસાફરોને બો‹ડગ પાસ મળ્યા છતાં આખી રાત હોટેલમાં રોકાવું પડ્યું. એરલાઇને બીજા દિવસે બુધવારે વૈકલ્પિક વ્યવસ્થા કરી મુસાફરોને કોલકાતા રવાના કર્યા. વારાણસીથી કોલકાતા જતાં ૧૭૯ મુસાફરોએ સમયસર પહોંચીને ચેકિંગની પ્રક્રિયા પૂરી કરી દીધી હતી.
તમામ મુસાફરો હોલ્ડ એરિયામાં બેસીને ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક સૂચના મળી કે, ફ્લાઇટ રદ કરી દેવાઈ છે. પાયલટે ડ્યુટીનો સમય પૂરો થઈ ગયો હોવાનું કહીને હાથ અદ્ધર કરી દીધા. આ સૂચના મળતાંની સાથે જ મુસાફરોનો ગુસ્સો ફાટ્યો અને ઍરપોર્ટ પર જોરદાર હોબાળો થયો.
