રાજકોટ ખાતે GIDC દ્વારા મેડિકલ ડિવાઇસ પાર્કની મહત્વાકાંક્ષી પહેલ: તબીબી ક્ષેત્રને નવી ગતિ
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રના આયોજન થકી વૈશ્વિક રોકાણ અને આધુનિક મેડિકલ ડિવાઇસ ઇકોસિસ્ટમને મળશે વેગ
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે એક નવો, ક્ષેત્ર-વિશિષ્ટ મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ તબીબી ઉપકરણ ઉદ્યોગ માટે એક સંકલિત અને વ્યાપક ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે, જે સંશોધન, ઉત્પાદન, ગુણવત્તા પરીક્ષણ તેમજ વૈશ્વિક નિકાસને મજબૂત આધાર પૂરો પાડશે.
નાગલપર ખાતે મેડિકલ ડિવાઇસ પાર્કનું સ્થાપન
GIDC દ્વારા પ્રસ્તાવિત નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્ક લગભગ 336 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ પાર્કને “એન્ડ-ટુ-એન્ડ” ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં પ્રારંભિક સંશોધનથી લઈને ઉત્પાદન, પરીક્ષણ અને અંતે આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ સુધીની સમગ્ર પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ બની રહેશે.
સ્થાનિક લાભ અને વ્યૂહાત્મક કનેક્ટિવિટી
નાગલપરનું સ્થાન લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક છે. આ વિસ્તાર પીપાવાવ બંદરથી આશરે 125 કિમી, કંડલા બંદરથી 198 કિમી અને મુન્દ્રા બંદરથી 243 કિમી અંતરે સ્થિત છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મારફતે સૌરાષ્ટ્ર પ્રદેશને મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા દેશના મુખ્ય શહેરો સાથે સીધી એર કનેક્ટિવિટી પ્રાપ્ત છે. ઉપરાંત, આ મેડિકલ ડિવાઇસ પાર્ક NH-27 થી માત્ર 9 કિમી દૂર સ્થિત છે, જે અમદાવાદ, જયપુર અને દિલ્હી જેવા મહત્વપૂર્ણ શહેરોને જોડતો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે.
પ્લગ-એન્ડ-પ્લે માળખાકીય સુવિધાઓ
ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્કમાં આધુનિક અને તૈયાર-ઉપયોગ (Plug-and-Play) માટે માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં દૈનિક 3.5 મિલિયન લિટર (MLD) ક્ષમતા ધરાવતી વિશ્વસનીય પાણી પુરવઠા વ્યવસ્થા, ઘન કચરા વ્યવસ્થાપન
સુવિધા તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)નો સમાવેશ થાય છે. અવિરત વીજ પુરવઠા માટે 66 KV સબસ્ટેશન માટે જમીન અનામત રાખવામાં આવી છે. સાથે જ, કાર્યક્ષમ સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવા માટે કોમન વેરહાઉસ અને લોજિસ્ટિક્સ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે.
નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્કનો વિકાસ, ભારતના ઝડપથી વિકસતા મેડિકલ ડિવાઇસ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતને અગ્રેસર રાજ્ય તરીકે સ્થાપિત કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
VGRC રાજકોટ: રોકાણ માટેનું વ્યૂહાત્મક મંચ
રાજકોટમાં યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) નાગલપર ખાતેના મેડિકલ ડિવાઇસ પાર્ક દ્વારા સર્જાતી વિશાળ રોકાણ તકોને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે એક સશક્ત અને ગતિશીલ પ્લેટફોર્મ પુરું પાડશે. ઓર્થોપેડિક અને સર્જિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ માટે ઓળખ ધરાવતા રાજકોટમાં યોજાનારી આ કોન્ફરન્સ દરમિયાન એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ, તેમજ કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશોની ક્ષમતાઓને વિશેષ રૂપે ઉજાગર કરવામાં આવશે.
જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનારી VGRC રાજકોટ ખાતે વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગ આગેવાનો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સીધા સંવાદ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીઓ વિકસાવવાની, જમીન ફાળવણી મેળવવાની અને ભારતના મેડિકલ ડિવાઇસ બજારમાં આગવી ઓળખ સ્થાપિત કરવાની સુવર્ણ તક ઉપલબ્ધ થશે.
