લોકોમોટિવ શેડ સાબરમતીની નવીન પહેલ: ઇનોવેટિવ વેક્યૂમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનિંગ ડિવાઇસ વિકસિત કરી
અમદાવાદ, ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત ભારતને ઉત્પાદન, ડિઝાઇન તથા નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાના તથા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અનેક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે.
આ જ ક્રમમાં વિકસિત ભારતની સંકલ્પના અને સ્વચ્છતા હી સેવા અભિયાનને આગળ વધારતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ સ્થિત લોકોમોટિવ શેડ સાબરમતી દ્વારા નવીનતા અને સ્વદેશી તકનીકી વિકાસના ક્ષેત્રમાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે.
લોકો શેડ સાબરમતીની ટીમ દ્વારા ઇન-હાઉસ ના રૂપે એક વેક્યૂમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનર (VAT ક્લીનર) નું સફળતાપૂર્વક ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ઉપકરણ પર્યાવરણને અનુકૂળ અને કિફાયતી છે. આ ઇકો-ફ્રેન્ડલી અને કિફાયતી ડિવાઇસ એચ એચ પિ લોકોમોટિવના રેડિયેટર ફેનનો ઉપયોગ કરીને ઇન-હાઉસ બનાવવામાં આવ્યું છે, જેને એક ડીઝલ વર્કિંગ ટ્રોલી (DWT) પર વર્ટિકલ લગાવવામાં આવ્યું છે અને તે લોકોમોટિવમાંથી જ પાવર મેળવે છે. રેડિયેટર ફેન ચેમ્બર ખાસ ડિઝાઇન કરાયેલ કચરો એકત્રિત કરનારા ચેમ્બર સાથે જોડાયેલ છે, જેના કારણે રેલવે ટ્રેક અને આસપાસના વિસ્તારોમાંથી કચરો અસરકારક રીતે દૂર કરી શકાય છે.
1000 થી 1800 આરપીએમ ની ઉચ્ચ ગતિએ કાર્ય કરતું આ ઉપકરણ અસરકારક સક્શન પ્રદાન કરે છે. વૈટ ક્લીનરના સંચાલન માટે ડ્રાઇવર ડેસ્ક પર ઓન/ઓફ તેમજ વેરિએબલ સ્પીડ કંટ્રોલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ડ્રાઇવર પોતાની બેઠક પરથી જ સક્શન ક્ષમતાને નિયંત્રિત કરી શકે છે. 120 x 55 x 65 ઇંચ કદનું વિશાળ કચરો સંગ્રહ ચેમ્બર અને તેમાં લગાવેલી હેવી ડ્યૂટી નેટ બેગ કચરાના સંગ્રહ અને નિકાલને સરળ બનાવે છે.
200 મીમી વ્યાસની સક્શન હોઝ તથા મેકેનિકલ મૂવમેન્ટ વ્યવસ્થા દ્વારા એક જ ઓપરેટર દ્વારા ટ્રેક અને ટ્રેક સાઇડ વિસ્તારની સફાઈ શક્ય બને છે. આ ઉપકરણનું સંચાલન લોકોમોટિવની નિયંત્રણ પ્રણાલીથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે, જેના કારણે સુરક્ષિત કામગીરી સુનિશ્ચિત થાય છે. સાથે સાથે, લોકોમોટિવ ગતિશીલ અવસ્થામાં હોવા છતાં પણ સફાઈ કાર્ય કરી શકાય છે.
લોકો શેડ સાબરમતી દ્વારા વિકસાવેલી આ નવીન પહેલ માત્ર ટ્રેકની સ્વચ્છતા અને સુરક્ષાને મજબૂત બનાવે છે એટલું જ નહીં, પરંતુ પશ્ચિમ રેલવેની સ્વદેશી નવીનતા, સંસાધનોના અનુકૂળ અને સતત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ સ્પષ્ટ દર્શાવે છે.
