વાજપેયીજી ગુડ ગવર્નંસના સ્થાપક હતા, જ્યારે હાલના વડાપ્રધાન મોદી તેના પ્રણેતા છે: જીતુ વાઘાણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિક દેવો ભવ:ના મંત્રને સાકાર કરી શ્રેષ્ઠ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
ડિજિટલ ક્રાંતિથી શાકભાજી, શેરડીનો રસ વેચવાવાળા સહિતના નાના વેપારીઓ પણ QR કોડના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ મેળવતા થયા
ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, નાગરિક દેવો ભવ:ના મંત્ર સાથે ગુજરાત અને કેન્દ્ર સરકાર અનેક પ્રજાલક્ષી કાર્યો કરી રહી છે. આજે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેઈજીની જન્મ જયંતી નિમિત્તે ‘સુશાસન દિવસ’ની સમગ્ર દેશમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી ગુડ ગવર્નંસના સ્થાપક હતા, જ્યારે હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેના પ્રણેતા છે.
ગુડ ગવર્નંસ એ માત્ર એક દિવસ નહિ પરંતુ ૩૬૫ દિવસ ચાલતી સુવ્યવસ્થિત પ્રક્રિયા છે, તેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું સ્પષ્ટ માનવું છે, જેને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકાર સતત વિકાસ કાર્યો કરી રહી છે. જેના ભાગરૂપે આજે પેટ્રોકેમિકલ્સ અને એનર્જી વિભાગની વિવિધ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ટેકનોલોજી અને નોલેજ અંતર્ગત વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે MOU પણ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં નાગરિકો અને સરકાર વચ્ચે જોડાણ વધુ મજબુત બન્યું છે, તેમજ પ્રજામાં વ્યક્તિગત અને સામજિક બદલાવ પણ આવ્યો છે, જે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. શ્રી વાજપેયીજીના જન્મ શતાબ્દી મહોત્સવ પર સુશાસનને વધુ મજબૂત બનાવવા આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું લોકર્પણ કરવામાં આવ્યું છે.
સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા નવા પ્રકલ્પોના લૉન્ચિંગ વિશે વિગતો આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, હવેનો જમાનો આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ-એ.આઈ.નો છે. જેથી એ.આઈ.નો સુશાસન માટે વધુને વધુ ઉપયોગ કરવા રાજ્યમાં એ.આઈ. ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં એ.આઈ.ના ઉપયોગ પર વધુ ભાર મૂકતા આજે રાજ્ય સરકાર દ્વારા જી-સાર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, તેમાં ૨૪ હજારથી વધુ સરકારી દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપ આપીને એ.આઈ. રિપોઝિટરીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સ્વાગતનું એ.આઈ. સાથે ઈન્ટીગ્રેશન તથા સી.એમ. ડેશબોર્ડ દ્વારા રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ અને આર.સી.એમ.ની અગત્યની કામગીરીનું મૂલ્યાંકન તેમજ ન્યૂઝ એનાલિસીસ પોર્ટલ ૨.૦ના મધ્યમથી વધુ સારું કામ કરવાની દિશા મળશે.
આજે QR કોડ આધારિત ડોક્યુમેન્ટ્સની મહત્વપૂર્ણ શરૂઆત મુખ્યમંત્રી કાર્યાલયથી થઈ છે, જ્યારે આવનારા દિવસોમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં અમલી કરાશે. QR કોડ સ્કેન કરીને ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ સાચો અને યોગ્ય ઓથોરિટી દ્વારા જ ઇસ્યૂ કરવામાં આવ્યો છે તેની ખરાઈ થઈ શકશે અને તંત્રની વિશ્વસનીયતામાં ખૂબ મોટો સુધારો આવશે.
“મિશન કર્મયોગી”નો આજથી શુભારંભ થઈ રહ્યો છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, રાજ્યના પોણા બે લાખથી વધુ સરકારી કર્મચારીઓને અસરકારક સંદેશા વ્યવહાર અને વર્તણૂકલક્ષી તાલીમ સ્પીપા દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત કર્મયોગીઓના ‘સ્વાંતઃ સુખાય’ કાર્યક્રમની વેબસાઇટ અને એન.આર.જી. વેબસાઇટ પણ લોંચ કરવામાં આવી છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, વિકસિત ભારત@૨૦૪૭ માટે ગુજરાતને ગુડ ગવર્નન્સથી અગ્રેસર રાખવા વડાપ્રધાનશ્રીએ આપેલા ગ્રીન ગ્રોથ-સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને નેટ ઝીરોના વિચારને આગળ ધપાવવામાં આવશે. જે અંતર્ગત આજે સુશાસન દિવસે પમ્પ્ડ હાઈડ્રો સ્ટોરેજ પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી અને ઇન્ટીગ્રેટેડ રિન્યૂએબલ પોલિસી લોન્ચ કરવામાં આવી છે, જેના થકી ગુજરાત દેશમાં ગ્રીન હાઇડ્રોજન હબ બનશે.
આ ઉપરાંત એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ કેપેસિટી બિલ્ડીંગ માટે આજે સ્પીપા અને વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ વચ્ચે જે એમ.ઓ.યુ. થયા છે તેના અમલથી ગુજરાતનો વહીવટ વધુ લોકાભિમુખ અને લોકભોગ્ય બનશે. આગામી સમયથી ટેકનોલોજી અને પારદર્શિતાનો સમન્વય કરીને સ્પીપા દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટર બેઝ્ડ અને ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે, જેથી પારદર્શિતાની સાથે વિદ્યાર્થીઓના સમયની બચત થશે.
તેમણે ઉમેર્યું હતું કે, આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સુશાસન થકી સમગ્ર દેશમાં ડિજિટલ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. જેના પરિણામે આજે શાકભાજી વેચવાવાળા, શેરડીનો રસ વેચવાવાળા તેમજ નાનામાં નાના વેપારીઓ પણ QR કોડના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ મેળવતા થયા છે, જે ગુડ ગવર્નન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉપરાંત કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર દેશના અંદાજે ૨૦ કરોડ કરતાં વધુ ખેડૂતોને આશરે રૂ. ૪ લાખ કરોડની સહાય DBTના માધ્યમથી આપવામાં આવી છે, જેમાં ગુજરાતનાં ખેડૂતોને રૂ. ૨૨ હજાર કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
