Western Times News

Gujarati News

સુભાષબ્રિજનું રીસ્ટોરેશન કરાશે : રૂ. 250 કરોડના ખર્ચે બન્ને બાજુ નવા 2-2 લેન બ્રિજ બનશે

બે ફેઝની કામગીરી માટે EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન : EPC ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત રૂ. 250 કરોડ રાખવામાં આવી

(પ્રતિનિધિ) અમદાવાદ, સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રીસ્ટોરેશન તથા હાલના બ્રિજની બન્ને બાજુ નવા 2-2 લેનના બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રીસ્ટોરેશન તથા હાલના બ્રિજની બન્ને બાજુ નવા 2-2 લેનના બ્રિજના નિર્માણ માટે યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને બે ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે.

સુભાષ બ્રિજ રાણીપ અને શાહિબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે. વર્ષ 1973માં નિર્મિત આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો. જો કે, તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના ડેકમાં તિરાડ તથા સુપરસ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ જોવા મળતાં, સલામતીના હિતમાં બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બ્રિજને થયેલા નુકસાન અંગે એમ્પેનલ્ડ કન્સલ્ટન્ટ્સ ઉપરાંત IIT રૂડકી અને SVNIT સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપરસ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે.

શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને, માત્ર રીસ્ટોરેશન સુધી સીમિત ન રહી, હાલના બ્રિજની બન્ને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂ. 250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી EPC મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે.

પ્રથમ ફેઝમાં હાલના બ્રિજના સુપરસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરી, 38 મીટર સ્પાન મુજબ સ્ટીલ કોમ્પોઝીટ ગર્ડર આધારિત નવું સુપરસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ કામગીરી માટે હયાત પીયરને માઇક્રો કૉન્ક્રીટ દ્વારા જેકેટિંગ કરીને મજબૂત બનાવવામાં આવશે, જેથી નવી રચનાને પૂરતો આધાર મળી રહે. બીજા ફેઝમાં હાલના બ્રિજની બન્ને બાજુ એકજ લેવલે નવા 2-2 લેનના બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

આ માટે ફાઉન્ડેશનથી લઈને સુપરસ્ટ્રક્ચર સુધીની સમગ્ર કામગીરી નવેસરથી કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. બન્ને ફેઝની કામગીરી માટે EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન છે.

તે મુજબ સમગ્ર કામ માટે EPC ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત રૂ. 250 કરોડ રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરના ઉત્તર અને મધ્ય વિસ્તારો વચ્ચેનું ટ્રાફિક દબાણ ઘટશે અને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.