Western Times News

Gujarati News

બેંગલુરુ નજીક દેવનહલ્લી ખાતે અદ્યતન ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન દિલીપ સંઘાણીએ કર્યું

આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે : દિલીપ સંઘાણી

વિજ્ઞાન + નવીનતા = ખેડૂત કલ્યાણ : દિલીપ સંઘાણી

બેંગલુરુ, ખાતર ક્ષેત્રની ભારતની અગ્રણી સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફકો) દ્વારા કર્ણાટકના બેંગલુરુ નજીક દેવનહલ્લીમાં સ્થાપિત અદ્યતન નાનો ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન IFFCO અને NCUIના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે શ્રી સંઘાણીએ પ્લાન્ટનું વિગતવાર નિરીક્ષણ કર્યું અને નાનો ખાતરના ઉત્પાદન, ગુણવત્તા ધોરણો તથા તકનિકી ક્ષમતાઓ અંગે માહિતી મેળવી.

આ પ્રસંગે શ્રી સંઘાણીએ જણાવ્યું હતું કે, “આ પ્લાન્ટ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના ‘સહકારથી સમૃદ્ધિ’ સંકલ્પ ને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.”

12 એકર વિસ્તારમાં ફેલાયેલો આ અદ્યતન નાનો પ્લાન્ટ પ્રતિદિન 2 લાખ બોટલ નેનો યુરિયા પ્લસના ઉત્પાદન માટે સક્ષમ છે. દીર્ઘકાળીન દ્રષ્ટિએ આ પ્લાન્ટ દક્ષિણ ભારતમાં પરંપરાગત યુરિયા પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટાડશે, આયાત ખર્ચમાં ઘટાડો કરશે અને ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

દેવનહલ્લીમાં સ્થાપિત આ અદ્યતન પ્લાન્ટ અડીનુક વિજ્ઞાન નું પ્રતીક છે, જ્યાં નવીનતમ ટેક્નોલોજી અને પ્રગતિશીલ સુવિધાઓનો  ઉપયોગ કરીને ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે.

ઉદ્ઘાટન અને પ્લાન્ટ નિરીક્ષણ બાદ શ્રી સંઘાણીએ પ્લાન્ટના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો સાથે સંવાદ કર્યો. આ દરમિયાન તેમણે નેનો ખાતરના મહત્વ, તેની ભૂમિકા અને ભારતમાં કૃષિના ભવિષ્ય અંગે પોતાના વિચારો રજૂ કર્યા તેમજ નવીનતા આધારિત સહકારી વ્યૂહરચનાઓને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું.

IFFCOના ઉપાધ્યક્ષ  બલવીર સિંહ, પૂર્વ ચેરમેન કે શ્રીનિવાસન ગૌડા, મેનેજિંગ ડિરેક્ટર કે જે પટેલ, પ્રહલાદસિંહ, વિજય શંકર રાય, વિવેક કોહલે, સુબ્રજીત પાધી, મારા ગંગા રેડ્ડી, વાલ્મિકી ત્રિપાઠી, જગદીપ સિંહ નક્કઈ, જયેશ રાદડિયા, ઉમેશ ત્રિપાઠી, ભાવેશ રાદડિયા, યુનિટ હેડ સંજય કુલશ્રેષ્ઠ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.