‘FTA’ રણનીતિ: PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના ‘ટેરિફ’ મુદ્દે રમી મક્કમ રાજદ્વારી ચાલ
અમેરિકાના પ૦% ટેરિફના પડકાર વચ્ચે ભારત વિશ્વ માટે આર્થિક પાવરહાઉસ બનશે
નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ૫૦ ટકા સજારૂપી ટેરિફને પગલે નિકાસ ક્ષેત્રે ઊભી થયેલી ચિંતાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મક્કમ રાજદ્વારી ચાલ દ્વારા જવાબ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ ૭ મહત્વના દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કરીને ભારતની નિકાસને સુરક્ષિત બનાવી છે. હવે અમેરિકા જો માલ ન લે તો પણ આ દેશો ભારતીય ઉત્પાદનોના મોટા ખરીદદારો બની રહેશે.
નવું વર્ષ ૨૦૨૬: એફટીએ દ્વારા ભારત બનશે આર્થિક પાવરહાઉસ
વર્ષ ૨૦૨૬માં ભારત વિશ્વના મુખ્ય દેશો સાથે એફટીએ કરવા માટે ઝડપથી આગળ વધશે. આ કરારોથી નિકાસ, સેવાઓ, રોકાણ અને તકનીકી સહયોગના નવા દ્વાર ખુલશે, જે ભારતને વર્ષ ૨૦૨૮ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ દોરી જશે.
નિકાસમાં ૧૫.૧૨ ટકાનો મજબૂત વધારો
ગ્લોબલ ટ્રેડમાં અનિશ્ચિતતા હોવા છતાં ભારતની નિકાસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
-
નવેમ્બર ૨૦૨૪: $૬૪.૦૫ બિલિયન
-
નવેમ્બર ૨૦૨૫: $૭૩.૯૯ બિલિયન આ ૧૫.૧૨ ટકાનો વધારો દર્શાવે છે કે એફટીએ (FTA) એ ભારતની વેપાર ખાધ ઘટાડવામાં અને નિકાસ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
ન્યુઝીલેન્ડ અને ઓમાન સાથેના મહત્વના કરારો
૧. ભારત-ન્યુઝીલેન્ડ FTA: ૧૯ ડિસેમ્બરે કેન્દ્રીય મંત્રીમંડળે ૧૪ વર્ષથી લંબિત આ કરારને મંજૂરી આપી છે. જેનાથી કૃષિ, ફાર્મા અને શિક્ષણ ક્ષેત્રે નવી તકો ઉભી થશે. ૨. ભારત-ઓમાન ‘સિપા’ (CEPA): ૧૮ ડિસેમ્બરે ઓમાન સાથે થયેલા કરાર મુજબ ભારતની ૯૯% નિકાસને ત્યાં શૂન્ય ડ્યુટી (Zero-Duty) એક્સેસ મળશે. ખાસ કરીને કાપડ, રત્ન-ઘરેણાં અને ઓટોમોબાઈલ ઉદ્યોગને સીધો ફાયદો થશે.
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટી તક
ઓમાન સાથેના કરારમાં પહેલીવાર ભારતીય વ્યાવસાયિકોની અવર-જવર માટે મોટી છૂટછાટ મળી છે:
-
કોર્પોરેટ ટ્રાન્સફરી ક્વોટા ૨૦% થી વધારીને ૫૦% કરાયો.
-
આઈટી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ભારતીય કંપનીઓ ઓમાનમાં ૧૦૦% વિદેશી રોકાણ (FDI) કરી શકશે.
-
ઓમાનના બંદરોનો ઉપયોગ થવાથી યુરોપમાં માલ પહોંચાડવાનો સમય અને ખર્ચ ઘટશે.
મોદી સરકારના કાર્યકાળ દરમિયાન મોરેશિયસ, યુએઈ (UAE) અને ઓસ્ટ્રેલિયા સાથે એફટીએ સફળ રહ્યા છે. આ ઉપરાંત ૧ ઓક્ટોબરથી આઈસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, નોર્વે અને લિકટેનસ્ટેઈન જેવા યુરોપિયન દેશો સાથે પણ વેપાર સમજૂતી અમલમાં આવી છે, જે ભારતને વૈશ્વિક વેપારમાં નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે.
