હરિયાણા વિધાનસભાના ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે
પ્રતિનિધિ મંડળ સાથે એડવાઇઝરી, ફાઈનાન્સિયલ, એક્શન ટેકન રિપોર્ટ, ટુરિઝમ વિભાગની કામગીરી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરાઇ
ગાંધીનગર, હરિયાણા વિધાનસભાના જાહેર સાહસ સમિતિના અધ્યક્ષ શ્રી રામકુમાર ગૌતમ સહિત ૯ ધારાસભ્યશ્રીઓનું પ્રતિનિધિ મંડળ પાંચ દિવસના અભ્યાસ પ્રવાસે ગુજરાત પધાર્યું છે, જે આગામી તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રોકાશે. આ અભ્યાસ પ્રવાસના ભાગરૂપે પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી, જ્યાં એડવાઇઝરી, ફાઈનાન્સિયલ, એક્શન ટેકન રિપોર્ટ, ટુરિઝમ વિભાગની કામગીરી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે હરિયાણા વિધાનસભા જાહેર સાહસ સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી રામકુમાર ગૌતમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પ્રજાલક્ષી વિકાસકાર્યો થકી દેશને નવી દિશા મળી છે. શ્રી ગૌતમે ગુજરાત વિધાનસભાના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાયબ્રેરી સુવિધાઓ, અધિકારી-કર્મચારીઓની કાર્યપ્રણાલી સહિતની કામગીરીની ખૂબ પ્રશંસા કરી હતી.
વિધાનસભા ખાતે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા પ્રતિનિધિ મંડળને ગૃહની બેઠક વ્યવસ્થા, ધારાસભ્યો તથા મંત્રીશ્રીઓને મળતી સુવિધાઓ, વિધાનસભાની કાર્યપદ્ધતિ તેમજ National e-Vidhan Application(NeVA) સેવા કેન્દ્રની કામગીરી અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.
વિધાનસભાની મુલાકાત દરમિયાન વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રીમતી રીટા મહેતા સહિત વિધાનસભાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાનું આ પ્રતિનિધિ મંડળ અભ્યાસ પ્રવાસ દરમિયાન ગાંધીનગર ઉપરાંત દ્વારકા, સોમનાથ અને સાસણ ગીર સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે.
