Western Times News

Gujarati News

12 વર્ષના બાળકે જ્વેલરી શો રૂમમાંથી કરી લાખોની ચોરી

(એજન્સી)અમદાવાદ,શહેરમાં ફરી એકવાર નજર ચૂકવીને લાખોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. આનંદનગર વિસ્તારમાં આવેલી જ્વેલરીના શો રૂમમાં ચોરી થઈ છે. ગ્રાહક બનીને આવેલી ટોળકીએ સેલ્સમેનનું ધ્યાન ભટકાવી ચોરી કરી. ટોળકી સાથે આવેલા ૧૨ વર્ષના બાળકે સોનાના દાગીનાની ચોરી કરી છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, અંદાજિત રૂ. ૩.૧૩ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરવામાં આવી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી.

આ મામલે ભાવેશકુમાર માળીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવેશકુમાર આનંદનગરની હરીઓમ ચાલી પાસે આવેલા શ્રી લક્ષ્મી જ્વેલર્સમાં કર્મચારી તરીકે ફરજ બજાવે છે. ગ્રાહકોના સ્વાંગમાં આવેલી એક ટોળકીએ તેમની નજર ચૂકવી લાખોની કિંમતની સોનાની કાંટીઓ ભરેલી થેલીની ચોરી કરી હતી.

ગ્રાહકો ગયા બાદ જ્યારે ભાવેશકુમારે દાગીનાના સ્ટોકની ગણતરી કરી, ત્યારે તેમને એક થેલી ઓછી હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે, કુલ ૪૮ નંગ સોનાની કાંટીઓ ગાયબ હતી. આ કાંટીઓની કુલ કિંમત રૂ. ૩,૧૩,૦૪૦ થાય છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી.

આ ઘટનાની વાત કરીએ તો, ૨૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ બપોરે આશરે ૧.૪૫ વાગ્યાની આસપાસ એક મહિલા અને એક પુરુષ એક ૧૨ વર્ષના બાળક સાથે શો-રૂમમાં પ્રવેશ્યા હતા. તેમણે ભાવેશકુમાર પાસે સોનાની કાંટીઓ જોવાની માગણી કરી હતી.

હજુ તેઓ દાગીના જોઈ રહ્યા હતા ત્યાં જ બીજા એક પુરુષ અને મહિલા શો-રૂમમાં આવ્યા હતા. જે બાદ આ ટોળકીએ વેપારીને વાતોમાં ભેરવ્યા હતા. જ્યારે ભાવેશકુમાર બીજા ગ્રાહકોને દાગીના બતાવવામાં વ્યસ્ત હતા, ત્યારે આ ગેંગના સભ્યોએ એકબીજાને ઈશારો કર્યો હતો.

તે જ બાદ ૧૨ વર્ષના બાળકે કાચના કાઉન્ટર પરથી હાથ નાંખીને સોનાના દાગીના ભરેલી એક નાની થેલી સેરવી લીધી હતી. આ કામ પતાવ્યા બાદ, ટોળકી કોઈપણ વસ્તુની ખરીદી કર્યા વગર જ દુકાનમાંથી રવાના થઈ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.