આ દેશના પૂર્વ વડાપ્રધાનને ભ્રષ્ટાચાર બદલ ૧૫ વર્ષની જેલ
આ કૌભાંડ સામે જનાક્રોશ ફૂટતા નજીબે ૨૦૧૮માં સત્તા ગુમાવવી પડી હતી.
(એજન્સી) નવી દિલ્હી, મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન નજીબ રઝાકને તેમના શાસન કાળમાં કૌભાંડ કરવા ભારે પડી ગયા છે.તેમને વનએમડીબી સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં ૪.૫ અબજ ડોલરથી પણ વધુ રકમની ચલાવેલી લૂંટના કેસમાં ૧૩.૫ અબજ રિંગિટ (૨.૮ અબજ ડોલર) નો દંડ ફટકારવામાં આવ્યો છે અને ૧૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
દંડ ન ભર્યાે તો બીજા પાંચ વર્ષ વધુ સજા થશે. તેની પત્ની રોસમાહ મન્સૂરને પણ ભ્રષ્ટાચારના બીજા કેસમાં દસ વર્ષની સજા થઈ છે અને હાલમાં તે જામીન પર બહાર છે. તેમણે પોતે જ પીએમ તરીકેના કાર્યકાળ વખતે ૨૦૦૯ માં વન એમડીબી ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરી હતી.તેઓ પોતે જ આ એડવાઇઝરી બોર્ડના ચેરપર્સન હતા અને નાણાપ્રધાન તથા વડાપ્રધાન તરીકે બોર્ડમાં વીટોની સત્તા પણ ધરાવતા હતા.
તેમણે અને તેમના સહયોગીઓએ મળીને ૨૦૦૯ થી ૨૦૧૪ દરમિયાન ફંડમાંથી ૪.૫ અબજ ડોલરની લૂંટ ચલાવીને તેનું અમેરિકા, સિંગાપોર અને સ્વિટ્ઝરલેન્ડમાં રોકાણ કર્યુ હતુ.સત્તાવાળાઓનો દાવો છે કે આ ભંડોળનો ઉપયોગ હોલિવૂડની ફિલ્મોને ફાઇનાન્સ કરવા, હોટેલ ખરીદવા, લક્ઝરી યાટ ખરીદવા અને ઝવેરાત ખરીદવા કરાયો હતો. છેવટે આ કૌભાંડ સામે જનાક્રોશ ફૂટતા નજીબે ૨૦૧૮માં સત્તા ગુમાવવી પડી હતી.
તેમના અબજો ડોલરના કૌભાંડના છાંટા છેક અમેરિકા અને વૈશ્વિક બજારોમાં પડયા હતા. આ કૌભાંડથી વોલસ્ટ્રીટ પણ હચમચી ઉઠયું હતું. તેના કારણે જાણીતી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ગોલ્ડમેન સાક્સે પણ અમેરિકામાં તપાસનો સામનો કરવો પડયો હતો. નજીબના કૌભાંડને અમેરિકન એટર્ની જનરલે ક્લેપ્ટોક્રેસી નામ આપ્યું હતું.
નજીબ મલેશિયામાં જાણીતા રાજકીય કુટુંબની હસ્તી છે. આ કુટુંબ ૧૯૫૭માં બ્રિટનથી મલેશિયા આઝાદ થયું ત્યારથી તેના પર પ્રભુત્વ ધરાવતું હતું.નજીબ રઝાક ૨૦૦૯થી ૨૦૧૮ સુધી પીએમ પદે હતા ત્યાં સુધી તેમને હાથ લગાડી શકાય તેવું કોઈ વિચારી પણ શકતું ન હતુ.
નેશનલ હાઈકોર્ટનું તારણ હતું કે ૭૨ વર્ષના નજીક સત્તાના દૂરોપયોગ બદલ દોષિત ઠરે છે. તેમણે નજીબ પર મની લોન્ડરિંગના વધારાના આરોપો પણ લગાવ્યા હતા. નજીબે કશું પણ ખોટું કર્યાનો ઇન્કાર કર્યાે હતો અને જણાવ્યું હતું કે આ ફંડ સાઉદી અરેબિયા તરફથી મળેલું રાજકીય ડોનેશન હતુ. તેને લો તાઇક ઝો જેવા શંકાસ્પદ ફાઇનાન્સિયરોને ગેરમાર્ગે દોર્યાે હતો. લોને આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે.
