Western Times News

Gujarati News

રાજ્ય પર આવેલી કુદરતી આફત સમયે પાટીદાર સમાજ રાહત કામગીરીમાં અગ્રેસર રહ્યો છે: હર્ષ સંઘવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા

મહાસંમેલન અંતર્ગત નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનો અભિવાદન સમારંભ યોજાયો

  • સરદાર પટેલ આપણા માટે માત્ર ઇતિહાસ-પુરુષ નહિ, સમાજસેવાથી રાષ્ટ્રસેવાના પ્રેરણા-પુરુષ છે; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

આ સમારંભમાં મુખ્યમંત્રીશ્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયા તથા  રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલને કરાયા સન્માનિત

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત મહાસંમેલન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનો અભિવાદન સમારંભ યોજાયો હતો.

આ સમારંભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પટેલ સમાજ સેવા, સમર્પણ અને સહયોગ જેવા સિદ્ધાંતો પર ચાલે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્રને પટેલ સમાજે પચાવ્યો છે. સૌ સમાજો સાથે મળીને આગળ વધે તો કેટલી ઝડપે અને વ્યાપક સ્તરે વિકાસ થઈ શકે, એનું આગવું ઉદાહરણ આજની વિશાળ જનમેદની પૂરું પાડી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

પટેલ સમાજની સિદ્ધિઓ વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે  પટેલ સમાજ માત્ર એક જ્ઞાતિ નહિ, મહેનત, સ્વાભિમાન અને રાષ્ટ્રનિર્માણનું પ્રતીક બનીને ઉભરેલો સમાજ છે. દેશમાં કે વિદેશમાં રહીને વિશ્વ સાથે સ્પર્ધા કેવી રીતે કરી શકાય, એ પટેલ પરિવારોએ શીખવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે સૌ લોહપુરુષ સરદાર સાહેબના વારસદારો છીએ. સરદાર પટેલ આપણા માટે માત્ર ઇતિહાસ-પુરુષ નહિ, પરંતુ સમાજસેવાથી રાષ્ટ્રસેવાની દિશા આપનારા પ્રેરણા-પુરુષ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સરદારસાહેબની વિચારધારાને આગળ વધારી છે અને જનજન સુધી વિસ્તારી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ-મિત્ર ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સૌએ એક પેડ માં કે નામ, કેચ ધ રેન, સોલાર રુફ ટોપ જેવા અભિયાનો સાથે જોડાવું જોઈએ. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અહીં ઉપસ્થિત સૌ સમાજો, આગેવાનો અને નાગરિકોને સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલ તેમજ લોકલ ફોર ગ્લોબલનો મંત્ર અપનાવવા મારો અનુરોધ છે, એવું ઉમેર્યું હતું.

ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનું અભિવાદન કરવા બદલ મુખ્યમંત્રીશ્રીએ સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો.

ગુજરાતના સામાજિક ઉત્થાન અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પાટીદાર સમાજનના યોગદાનને અતુલનીય ગણાવતાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં જ્યારે પણ કુદરતી આફત કે સંકટ આવ્યું છે, ત્યારે આ સમાજે પોતાના ધંધા-રોજગાર અને પરિવારની ચિંતા છોડીને ‘સેવા એ જ પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક કર્યું છે. રાહત સામગ્રી પહોંચાડવાથી લઈ રસોડા શરૂ કરવા સુધીની કામગીરીમાં સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકો હંમેશાં અગ્રેસર રહ્યા છે.

તેમણે કહ્યું કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે છાત્રાલયો અને હોસ્પિટલોનું નિર્માણ કરીને જનસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરંતુ બીજી તરફ, બાળકોના ભવિષ્ય માટે લોહી-પરસેવો એક કરનારાં માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મોકલવાના બનાવોને દુઃખદ ગણાવ્યા હતા. આ અંગે ઊંડી સંવેદના પણ વ્યક્ત કરી હતી.

આ સાથે જ ગૌરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ગૌહત્યા કરનારાઓ અને વ્યાજખોરીના નામે સામાન્ય જનતાને હેરાન કરતા ગુંડા તત્ત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે. ગુજરાત આજે ગૌહત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે સુરક્ષિત ગુજરાતની પ્રતીતિ કરાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કાયદા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયા, નાણાં અને નશાબંધી-આબકારી રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા અન્ય મંત્રીશ્રીઓ તથા સમાજના અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને અભિવાદન બદલ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ -અમદાવાદનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આયોજિત માં ખોડલ-માં અન્નપૂર્ણાની મહાઆરતીમાં સમાજના આગેવાનો, મંત્રીશ્રીઓ અને ઉપસ્થિત જનમેદની સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.