Western Times News

Gujarati News

બાંગ્લાદેશમાં હિંદુઓને જીવતા સળગાવવાનો પ્રયાસ

પ્રતિકાત્મક

૫ ઘરોમાં હિંસક ટોળાએ આગ લગાવી-માણસો બચ્યા પણ પાલતુ પ્રાણી બળ્યાં; ૬ મહિનામાં ૭૧ હુમલા

(એજન્સી)ઢાકા, બાંગ્લાદેશમાં હિંદુ પરિવારોના પાંચ ઘરોમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. આ ઘટના શનિવાર, ૨૭ ડિસેમ્બરના રોજ પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામની હોવાનું કહેવાય છે.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આગ લાગી ત્યારે તેઓ ઘરની અંદર ફસાયેલા હતા કારણ કે દરવાજા બહારથી બંધ હતા. કુલ આઠ લોકો ટીન અને વાંસની વાડ કાપીને બહાર નીકળવામાં સફળ રહ્યા. પરંતુ તેમના ઘર, સામાન અને પાલતુ પ્રાણીઓ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા.

આ મામલે સ્થાનિક પોલીસે પાંચ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ લાગવાના ચોક્કસ કારણો જાણી શકાયા નથી. મીડિયા રિપોટ્‌ર્સમાં કહેવામાં આવ્યું છે કે હુમલાખોરોએ એક રૂમમાં કપડાં ભરીને આગ લગાડી દીધી, જેના કારણે આગ ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં લોકો આગ બુઝાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ ઈશનિંદા એટલે કે ધર્મનું અપમાન કરવાના આરોપો સાથે સંકળાયેલા કેસોમાં ઝડપથી વધારો થયો છે.

જૂનથી ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે આવા ઓછામાં ઓછા ૭૧ કેસ નોંધાયા છે. આ માહિતી બાંગ્લાદેશના લઘુમતીઓ પર કામ કરતી સંસ્થા ‘હ્યુમન રાઇટ્‌સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ’ના રિપોર્ટમાં સામે આવી છે. માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે હુમલા માટે દર વખતે એક જ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે.

પહેલા સોશિયલ મીડિયા પર આરોપ, પછી તરત ધરપકડ, તે પછી ભીડનું એકત્ર થવું અને હિંદુ વિસ્તારો પર હુમલો. હવે ઈશનિંદાના આરોપો ડર ફેલાવવા અને લઘુમતીઓને દબાવવાનું હથિયાર બની રહ્યા છે. એચડીસીબીએમનું કહેવું છે કે આ ઘટનાઓ દેશના ૩૦થી વધુ જિલ્લાઓમાં ફેલાયેલી છે. રંગપુર, ચાંદપુર, ચટગાંવ, દિનાજપુર, ખુલના, કુમિલ્લા, ગાઝીપુર, ટાંગાઈલ અને સિલહટ જેવા અનેક વિસ્તારોમાં આવા કિસ્સાઓ સામે આવ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં એકસરખા કિસ્સાઓ બનવા એ દર્શાવે છે કે આ માત્ર છૂટીછવાઈ ઘટનાઓ નથી, પરંતુ લઘુમતીઓને નિશાન બનાવવાનો એક ટ્રેન્ડ બની રહ્યો છે. રિપોર્ટ અનુસાર, જેમ જ કોઈ પર ઈશનિંદાનો આરોપ લાગે છે, પોલીસ તરત કાર્યવાહી કરે છે, પરંતુ તેની સાથે જ વિસ્તારમાં ભીડ એકઠી થઈ જાય છે અને હિંસા શરૂ થઈ જાય છે. ઘણી વાર આરોપ કોઈ એક વ્યક્તિ પર હોય છે, પરંતુ ગુસ્સે ભરાયેલી ભીડ આખા હિંદુ મોહલ્લાને સજા આપે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.