ગુજરાત સહિત ૪ રાજ્યો પાસેથી અરવલ્લી મુદ્દે સુપ્રિમ કોર્ટે જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય ઉપર લગાવ્યો સ્ટે -૨૧ જાન્યુ.સુધી ખાણકામ બંધ રહેશે, રાજસ્થાન, ગુજરાત સહિત ૪ રાજ્યો પાસેથી જવાબ માંગ્યો
(એજન્સી)નવી દિલ્હી, અરવલ્લી પર્વતમાળાને લગતા વિવાદ વચ્ચે, સુપ્રીમ કોર્ટે પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો છે. આગામી સુનાવણી ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ થશે. ત્યાં સુધી ખાણકામ પર પ્રતિબંધ રહેશે. કોર્ટે એક્સપટ્ર્સ કમિટી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે.આ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવશે.આ કમિટી હાલની એક્સપટ્ર્સ કમિટીના અહેવાલનું વિશ્લેષણ કરશે અને પછી સંબંધિત મુદ્દાઓ પર કોર્ટને ભલામણ કરશે.
કોર્ટે કેન્દ્ર અને ચાર અરવલ્લી રાજ્યો (રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને હરિયાણા)ને પણ નોટિસ ફટકારી છે જેમાં આ મુદ્દા પરના તેના સુઓ મોટો કેસમાં તેમનો જવાબ માંગવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે) અરવલ્લી પર્વતમાળાના વિવાદ પર સુનાવણી કરી. જસ્ટિસ સૂર્યકાન્તે આદેશ આપ્યો છે કે નિષ્ણાત સમિતિની ભલામણો અને તેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી વધુ ટિપ્પણીઓ હાલ પૂરતું સ્થગિત રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ભલામણો આગામી સુનાવણી સુધી લાગુ કરવામાં આવશે નહીં.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં કોર્ટના આદેશો, સરકારની ભૂમિકા અને સમગ્ર પ્રક્રિયા અંગે ઘણી ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે. આ ગેરસમજો દૂર કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કર્યો, જેને કોર્ટે સ્વીકાર્યો હતો. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે કોર્ટને એવું પણ લાગ્યું કે એક્સપટ્ર્સ કમિટીના અહેવાલ અને તેના આધારે કોર્ટ દ્વારા કરવામાં આવેલા કેટલાક અવલોકનોનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.
સીજેઆઈએ સંકેત આપ્યો કે આ ગેરસમજોને દૂર કરવા માટે સ્પષ્ટતાની જરૂર પડી શકે છે જેથી કોર્ટના ઇરાદા અને તારણો વિશે કોઈ મૂંઝવણ ન રહે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એક્સપટ્ર્સ કમિટીના અહેવાલ અથવા કોર્ટના નિર્ણયને લાગુ કરતા પહેલા, નિષ્પક્ષ અને સ્વતંત્ર મૂલ્યાંકન જરૂરી છે જેથી ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પર સ્પષ્ટ દિશા મળી શકે.
સીજેઆઈએ કહ્યું કે કોર્ટે પહેલાથી જ સંકેત આપ્યો છે કે આ પ્રશ્નો પર ઊંડાણપૂર્વક વિચારણા જરૂરી છે. આને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે નિષ્ણાતોની એક ઉચ્ચ સત્તાવાળી સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સમિતિ હાલની નિષ્ણાત સમિતિના અહેવાલનું વિશ્લેષણ કરે અને આ મુદ્દાઓ પર સ્પષ્ટ સૂચનો આપે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની વેકેશન બેન્ચમાં કેસની સુનાવણી ચાલી રહી છે. જમીનથી ૧૦૦ મીટર કે તેથી વધુ ઊંચાઈવાળી ટેકરીઓને જ અરવલ્લી માનવાની નવી વ્યાખ્યાનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો કર્યો છે.
સીજેઆઈના વેકેશન કોર્ટમાં આ મામલો પાંચમા નંબરે લિસ્ટેડ હતો. સુપ્રીમ કોર્ટ આજે અરવલ્લી પર્વતોમાં ખાણકામ સંબંધિત સુઓમોટો કેસની સુનાવણી કરી. સીજેઆઈની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરી. કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું, અમને ખૂબ આનંદ છે કે સુપ્રીમ કોર્ટે આજે સ્ટે ઓર્ડર જારી કર્યો છે.
અમે આનું સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે સરકાર પણ લોકોની ઇચ્છાને સમજશે. ચારેય રાજ્યોના લોકો, અને ખરેખર તો આખા દેશના લોકો આ આંદોલનમાં જોડાયા છે. તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે વિવિધ સ્વરૂપોમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. મંત્રી (પર્યાવરણ મંત્રી) આ કેમ સમજી શકતા નથી તે સમજાતું નથી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, “આ મામલાનો વધુ વિગતવાર અભ્યાસ કરવાની જરૂર છે.
અને યાદ અપાવ્યું કે પ્રસ્તાવિત પુનઃવ્યાખ્યાનો વિરોધ ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા, સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી અને ખુદ એમિકસ ક્યુરી દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે વન-પર્યાવરણ મંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગ કરતા કહ્યું કે આ નિર્ણય “પુનઃવ્યાખ્યાની તરફેણમાં તેમણે કરેલી બધી દલીલોને ફગાવે છે.
સુપ્રીમ કોર્ટે ૨૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સમિતિની ભલામણ સ્વીકારી, જેમાં ૧૦૦ મીટર કે તેથી વધુ ઊંચાઈવાળી ટેકરીઓને અરવલ્લી તરીકે માન્યતા આપવાની વાત કહેવામાં આવી હતી. આ પહેલા ૧૯૮૫થી ચાલી રહેલા ગોદાવર્મન અને એમસી મહેતા કેસમાં અરવલ્લીને વ્યાપક સંરક્ષણ મળેલું હતું.
નવા નિર્ણય બાદ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી-એનસીઆરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
પર્યાવરણ કાર્યકરો તેને ઇકોલોજીકલ આપત્તિ ગણાવી રહ્યા છે. પર્યાવરણવિદો અને વિરોધ પક્ષોના નેતાઓએ કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. પર્યાવરણવિદો દલીલ કરે છે કે અરવલ્લી રેન્જમાં ૧૦૦ મીટરથી નાની ટેકરીઓમાં ખાણકામને મંજૂરી મળવાથી આ પર્વતમાળાઓના અસ્તિત્વ સમાપ્ત થવાનું જોખમ ઉભું થયું છે.
જ્યારે, કેન્દ્રનું કહેવું છે કે આ ગેરસમજ છે અને સંરક્ષણ જાળવી રાખવામાં આવશે. અરવલ્લીના દુઃખને સમજતા પર્યાવરણવાદીઓ અને સામાજિક કાર્યકરો માટે આ એક મોટી આશાનું કિરણ છે, કારણ કે હાલના સમયમાં ૧૦૦ મીટરની નવી વ્યાખ્યાએ ઘણો વિવાદ ઉભો કર્યો છે. દલીલ એવી છે કે અરવલ્લીની ‘ખોટી વ્યાખ્યા’ આ પ્રાચીન પર્વતમાળાના મોટા ભાગનો નાશ કરી શકે છે.
