સ્કૂલમાં ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત!
પ્રતિકાત્મક
(એજન્સી)તાપી, વ્યારાની ખાનગી સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ વ્યારામાં ઇન્દુ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં વહેલી સવારે આ કરુણ દુર્ઘટના બની હતી. જ્યાં હોસ્ટેલમાં રહેતી અને ધોરણ ૧૧માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીનું અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું છે.
ક્રિસમસની રજાઓ પૂરી કરીને ગઈકાલે જ સ્કૂલે આવેલી દીકરીના મોતના સમાચારથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વિગતવાર વાત કરીએ તો, વ્યારાના જેતવાડી ગામની વતની સેજલકુમારી રાકેશભાઈ ગામીત (ઉં.વ. ૧૬) આ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી.
વહેલી સવારે ૮ઃ૦૦ વાગ્યાના અરસામાં સેજલ હોસ્ટેલથી નાસ્તો કરવા માટે જઈ રહી હતી. ત્યારે તે અચાનક જ જમીન પર ઢળી પડી હતી, બાદમાં વિદ્યાર્થિની બેભાન થતા જ સ્કૂલના સ્ટાફે દોડી આવીને પ્રિન્સિપાલના ખાનગી વાહનમાં તેને તાત્કાલિક વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
જોકે કમનસીબે, સેજલને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. ઢળી પડ્યા બાદ માત્ર ૧૫થી ૨૦ મિનિટના ટૂંકા ગાળામાં જ તેણે દમ તોડી દીધો હતો. ત્યારે હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી, જે સમાચાર સામે આવતા જ સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભારે ગમગીન વાતાવરણ છવાયું છે.
નોંધનીય છે કે, સેજલ નાતાલ (ક્રિસમસ)ની રજાઓ ગાળવા માટે પોતાના ઘરે ગઈ હતી અને રજાઓ પૂર્ણ થતા તે ગઈકાલે રવિવારે સાંજે જ હોસ્ટેલમાં પરત ફરી હતી. ત્યારે આજે સોમવારના સમયે હજુ તો અભ્યાસ શરૂ થાય તે પહેલા જ કુદરતે તેની જિંદગી છીનવી લીધી હતી.
જે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. હાલ આ વિદ્યાર્થિનીનું કયા કારણસર મોત થયું તે અંગેનું સ્પષ્ટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
