અમેરિકામાં વસતા પરિવારે ITI અને બહેરા-મૂંગા શાળાને 35 લાખ આપ્યા
મોડાસાની બહેરા-મૂંગા શાળા અને ITIને ૩પ લાખનું દાન આપ્યું-સંસ્થા દ્વારા અમેરિકાના દાતાનો સત્કાર સમારંભ યોજી ઋત અદા કર્યું
ભિલોડા, મોડાસા શહેરમાં લાયન્સ સોસાયટી સંચાલિત બહેરા-મૂંગા શાળા અને આઈ.ટી.આઈ. મોડાસા શહેર સહિત આજુબાજુના જિલ્લા અને પડોશી રાજય રાજસ્થાનમાંથી જરૂરિયાતમંદ પરિવારના દિવ્યાંગ બાળકોના અભ્યાસ માટે આશીર્વાદરૂપ છે. આઈટીઆઈમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પગભર બની રહ્યા છે.
લાયન્સ સોસાયટી સંચાલિત બહેરા-મૂંગા શાળા અને આઈ.ટી.આઈ.ના વાર્ષિક અહેવાલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભ્યાસ આધુનિક અને ડિજિટલ બને તે માટે પહેલ કરવામાં આવતા અમેરિકામાં વસવાટ કરતા ભરતભાઈ પી. કોઠારી અને તેમના પરિવારે ૩પ લાખ રૂપિયા માતબર દાન કરતા સંસ્થાએ સત્કાર સમારંભ યોજી ઋણ અદા કર્યું હતું. એનઆરઆઈ પરિવારે દિવ્યાંગ બાળકોને મિષ્ઠાન સાથે ભોજન તેમના હાથે જમાડ્યું હતું.
મોડાસા લાયન્સ સોસાયટી સંચાલિત બહેરા-મૂંગા શાળા આઈ.ટી.આઈ.માં અમેરિકા રહેતા ભરતભાઈ પી. કોઠારી અને તેમના પરિવારે ૩પ લાખ રૂપિયાનું દાન આપતા શાળા અને આઈ.ટી.આઈ.ના દરેક કલાસરૂમ સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર અને સમગ્ર પરિસર સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યું હતું.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટરથી અભ્યાસ અને તાલીમ આપવાની શરૂ કરતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ભરતભાઈ પી. કોઠારી, તેમના પુત્ર કેન્ડલ અને જેક દીકરી રાયન માદરે વતન આવતા લાયન્સ સોસાયટી મોડાસા દ્વારા તેમનો સત્કાર સમારંભ અને સમાર્ટ કલાસનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ ઘડીમાં કુંજબાળાબેન શાહ, ગૌરાંગ એસ. શાહ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, નાગરિક બેંક ચેરમેન પ્રજ્ઞેશ ગાંધી સહિત શહેરના અગ્રણી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ ડો. ટી.બી. પટેલે દાતા પરિવારની સરાહના કરી હતી.
