આત્મન ફાઉન્ડેશન દ્વારા અંબોડ નજીક રેવા ગ્રામ સેવા સંકુલનું નિર્માણ
રેવા ગ્રામ એ સેવા ધામ બની રહેશેઃ જગદીશ ત્રિવેદી
જાણીતા હાસ્યકાર, વિરલ દાતા, લેખક પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ આત્મન ફાઉન્ડેશન સંચાલિત રેવા ગ્રામની મુલાકાત લીધી
ગાંધીનગર, પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત, જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને અનેક સંસ્થાઓને વિરલ દાનથી મદદ કરનાર જગદીશ ત્રિવેદીએ તાજેતરમાં રેવા ગ્રામ સેવા સંકુલની મુલાકાત લીધી હતી. આત્મન ફાઉન્ડેશન દ્વારા અંબોડ નજીક રેવા ગ્રામ સેવા સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેઓએ રસપૂર્વક સંસ્થાની પ્રવૃત્તિઓ જાણી હતી તથા આખા પરિસરની મુલાકાત લીધી હતી.
ગ્રામભારતી સંસ્થાના વિદ્યાર્થીઓ, નજીકની શાળાના શિક્ષકો- વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ભાવકો સાથે આત્મીયતાથી જગદીશભાઈએ વાર્તાલાપ કર્યો હતો. બાળકો, વિદ્યાર્થીઓ અને મોટેરાઓ માટે તેમણે જુદી જુદી પ્રેરક પ્રસંગકથાઓ કહી હતી.
ગુરુ અને શિષ્ય/ વિદ્યાર્થી વચ્ચેનો ભાવસંબંધ કેવો હોય, આદર કેવો હોય એની દ્રષ્ટાંત કથા કહી હતી. જીવનમાં પ્રેરણા ક્યાંથી મળે, એ સાર્થક થાય તો જીવન કેવું ઉજળું બની જાય, એનું પણ ઉદાહરણ આપ્યું હતું. કસોટીઓમાંથી માર્ગ કાઢી આગળ વધવું એ સાચું ઘડતર, એમણે રેવા ગ્રામ એ સેવા ધામ બની રહેવાનું છે, એવી શુભેચ્છા પાઠવી હતી.
સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રજ્ઞાબેન પટેલ, સી.એલ. મહેતા, ડો. અનિલ્ પટેલ, પ્રો. રાજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જગદીશભાઈ ત્રિવેદીનું શાલ, ખેસ, સૂતરની આંટી, પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. લેખક કનૈયાલાલ ભટ્ટ, હેમેન્દ્રભાઈ દવે, જશવંતભાઈ, મહેશભાઈ, અશ્વિનભાઈ પ્રજાપતિ, રાજેન્દ્રભાઈ સુથાર, હસમુખભાઈ, જગદીશભાઈ ઉપાધ્યાય, નીતિનભાઈ, અમિતભાઈ, કૃષ્ણકુમાર રાણા, જતીનભાઈ ખખ્ખર વગેરે સહિત ગાંધીનગર, માણસા, અમદાવાદ વગેરેથી અનેક શુભેચ્છક મિત્રોએ આ આત્મીય કાર્યક્રમ માણ્યો હતો.
