બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન
ઢાકા, બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું આજે ૮૦ વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં જ તેમના પુત્ર વર્ષાે બાદ બાંગ્લાદેશ પરત ફર્યા હતા.
બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું, કે આજે ફજરની નમાઝ બાદ સવારે ૬ વાગ્યે ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા. નોંધનીય છે કે ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધન બાદ હવે બીએનપીની કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં રહેશે. તેઓ અત્યાર સુધી કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા.
તેઓ જેલની સજાના ડરથી શેખ હસીના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશ છોડી જતાં હતા. જોકે હાલમાં જ તેઓ ૧૭ વર્ષ બાદ બાંગ્લાદેશ પરત આવ્યા છે. બાંગ્લાદેશના રાજકારણમાં ત્રણ દાયકાથી બે બેગમ વચ્ચે લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું હતું.
યુદ્ધના મુખ્ય પાત્રો હતા બે શક્તિશાળી મહિલા નેતાઃ શેખ હસીના વાજેદ (અવામી લીગ) અને બેગમ ખાલિદા ઝિયા એક સમયે બંને સામૂહિક રીતે સરમુખત્યારશાહી સામે લડી હતી, પણ સત્તાની લાલચમાં બંને એકબીજાની દુશ્મન બની બેઠી. જોકે હવે શેખ હસીના ભારતમાં છે જ્યારે આજે ખાલિદા ઝિયાનું નિધન થયું છે. એવામાં હવે બાંગ્લાદેશમાં નવા જ પ્રકારનું રાજકારણ જોવા મળશે.
૩૦ મે, ૧૯૮૧ના રોજ, પૂર્વ રાષ્ટ્રપતિ અને ખાલિદા ઝિયાના પતિ, જનરલ ઝિયાઉર રહેમાનની પણ ચિત્તગોંગમાં લશ્કરી બળવાખોરોએ હત્યા કરી દીધી. એ સમયે ખાલિદા ઝિયા ગૃહિણી હતા. પતિના અવસાન પછી તેમણે પતિએ સ્થાપેલી પાર્ટી બીએનપીનું સુકાન સંભાળ્યું અને રાજકારણમાં પગ મૂક્યો.
વર્ષ ૧૯૭૮માં જનરલ ઝિયાઉર રહેમાન દ્વારા બાંગ્લાદેશ સેનાના પ્રમુખ બનાવાયેલા હુસૈન મુહમ્મદ ઇર્શાદને ઝિયાઉર રહેમાનની હત્યા બાદ સત્તાલાલસા જાગી. તેમણે ૧૯૮૨માં સૈન્ય તખ્તાપલટ કરીને તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ સત્તારની સરકાર ગબડાવી દીધી અને પોતે રાષ્ટ્રપતિ બનીને સંપૂર્ણ અધિકારો હાંસલ કરી લીધા.
માર્શલ લા લાદીને તેમણે રાજકીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો, રાજકીય પક્ષો ભંગ કર્યા અને વિરોધી નેતાઓને જેલમાં ધકેલી દીધા. પોતાની સરમુખત્યારશાહી પર ઢાંકપિછોડો કરવા તેમણે ૧૯૮૩માં ‘જાતીય પક્ષ’ નામની પાર્ટીની સ્થાપના કરી. ઇર્શાદને સત્તા પરથી હટાવવા માટે શેખ હસીના વાજેદ અને ખાલિદા ઝિયા એક થયા. ૧૯૮૭માં શરુ થયેલા આ આંદોલનને વ્યાપક લોકસમર્થન મળ્યું. આખરે ૪ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ ઇર્શાદે રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપવું પડ્યું.
૧૯૯૧માં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ તેમની ધરપકડ થઈ. વર્ષ ૧૯૯૧થી ૨૦૨૪ના દરમિયાન બંને બેગમોના પક્ષની દુશ્મનાવટ ઉગ્ર બની. બંનેએ એકબીજા પર ભ્રષ્ટાચાર, આપખુદ શાસન અને હિંસા ફેલાવવાના આરોપ મૂક્યા. ૨૦૦૪માં શેખ હસીના પર ગ્રેનેડ હુમલો થયો, જેમાં ૨૪ લોકો માર્યા ગયા. હસીનાએ આ હુમલા માટે ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનને દોષી ઠેરવ્યા. હસીના સરકાર જેલમાં નાંખી દેશે એવા ડરથી તારિક ૨૦૦૮માં લંડન ભાગી ગયા. ૨૦૧૮માં હસીના સરકારે ભ્રષ્ટાચારના કેસમાં ખાલિદા ઝિયાને જેલમાં ધકેલી દીધા.SS1MS
