Western Times News

Gujarati News

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી: ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે ગુજરાત મોડેલની દેશભરમાં ગુંજ, નીતિ આયોગે કર્યા ભરપૂર વખાણ

ગાંધીનગર: શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુજરાતની દૂરંદેશીની નોંધ હવે રાષ્ટ્રીય સ્તરે લેવાઈ રહી છે. નીતિ આયોગના ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણ અંગેના તાજેતરના અહેવાલમાં ગિફ્ટ સિટી (GIFT City) ખાતે સ્થાપિત ‘ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી’ (GBU) ના ભારોભાર વખાણ કરવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, પાંચ વર્ષ પહેલાં ગુજરાત સરકારે લીધેલું આ સાહસ આજે ભારતના ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ માટે એક ઉત્તમ મોડેલ અને માપદંડ સાબિત થયું છે.

બ્રેઈન ડ્રેઈન રોકવા માટે ગુજરાતનું આક્રમક પગલું નીતિ આયોગના રિપોર્ટ મુજબ, ભારતમાંથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જનારા ૨૮ વિદ્યાર્થીઓ સામે માત્ર ૧ વિદેશી વિદ્યાર્થી ભારત ભણવા આવે છે, જેના કારણે જીડીપી (GDP) ના અંદાજે ૨ ટકા જેટલું નાણું વિદેશ ખેંચાઈ જાય છે. વર્ષ ૨૦૨૦માં ‘નેશનલ એજ્યુકેશન પોલિસી’ (NEP) ને અનુરૂપ GBU ની સ્થાપના કરીને ગુજરાતે આ પડકારને પહોંચી વળવા માટે નિર્ણાયક પગલું ભર્યું હતું.

યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ (UoE) સાથે વૈશ્વિક ભાગીદારી સ્કોટલેન્ડની સુપ્રસિદ્ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથેના સહયોગથી કાર્યરત GBU વિશ્વની પ્રથમ સમર્પિત બાયોટેકનોલોજી યુનિવર્સિટી છે. ગિફ્ટ સિટીમાં ૨૩ એકરમાં ફેલાયેલ આ કેમ્પસમાં ₹૮૦ કરોડથી વધુનું અત્યાધુનિક સંશોધન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જ્યારે ₹૨૦૦ કરોડના ખર્ચે વધુ એક આંતરરાષ્ટ્રીય કેમ્પસ આકાર લઈ રહ્યું છે.

શિક્ષણ અને સંશોધનની વિશેષતાઓ:

  • વૈશ્વિક ફેકલ્ટી: યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના સિનિયર સભ્યો વર્ષમાં ૯૦ દિવસથી વધુ સમય GBU માં વિતાવે છે.

  • સ્ટાર્ટ-અપ હબ: SSIP પોલિસી હેઠળ ૩૭ ટીમોએ સ્ટાર્ટ-અપ માટે ₹૨ કરોડથી વધુની ગ્રાન્ટ મેળવી છે.

  • મજબૂત રિસર્ચ: યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં ₹૪૦ કરોડથી વધુની ૭૦ જેટલી એક્સ્ટ્રા-મ્યુરલ રિસર્ચ ગ્રાન્ટ્સ હાંસલ કરી છે.

  • સ્કોલરશિપ: ગુજરાત સરકાર પીએચડી (PhD) સ્કોલર્સને માસિક ₹૨૦,૦૦૦ ની ફેલોશિપ આપી રિસર્ચ ઇકોસિસ્ટમને મજબૂત કરી રહી છે.

તાજેતરની મહત્વની સિદ્ધિઓ: યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વિમલ શાહે જણાવ્યું હતું કે ૨૦૨૫નું વર્ષ સંસ્થા માટે સીમાચિહ્નરૂપ રહ્યું છે. પ્રોફેસર નિશા સિંહે અલ્ઝાઈમર રોગની થેરાપી પર મહત્વનું સંશોધન કર્યું છે, જેમાં ન્યુરોનલ સેલ બચાવવાનો દર ૯૦ ટકા સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. તેમજ રોહિણી નાયરની ટીમે અંતરિયાળ વિસ્તારોમાં માસિક સ્વાસ્થ્યના નિદાન માટે ₹૧.૩ કરોડનું ફંડ મેળવ્યું છે.

ગિફ્ટ સિટી: આંતરરાષ્ટ્રીય શિક્ષણનું કેન્દ્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સંચાલિત આ યુનિવર્સિટીએ સાબિત કર્યું છે કે ભારતમાં રહીને પણ વિશ્વકક્ષાનું શિક્ષણ મેળવી શકાય છે. નીતિ આયોગે સ્વીકાર્યું છે કે ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓના હબ તરીકે વિકસાવવાના વિઝનને GBU એ હકીકતમાં પરિવર્તિત કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.