અમદાવાદ પોલીસ હવે વધુ હાઈટેક: લોન્ચ કરી ‘પ્રમાણ’ એપ્લિકેશન, ટ્રાફિક પોલીસની હાજરીમાં આવશે પારદર્શિતા
ફેક GPS હવે નહીં ચાલે! અમદાવાદ શહેરના ટ્રાફિક પોલીસ માટે ૧ જાન્યુઆરીથી ‘પ્રમાણ’ સોફ્ટવેર ફરજિયાત
પોલીસ રોલ કોલ મેનેજમેન્ટમાં મોટો સુધારો: ટ્રાફિક વિભાગના ૧૪ પોલીસ સ્ટેશનોમાં લાગુ થશે ‘સિંગલ લોગીન’ સિસ્ટમ
અમદાવાદ: અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલીક દ્વારા સોમવારે પોલીસ વિભાગના આધુનિકીકરણ તરફ વધુ એક મહત્વનું ડગલું ભરતા “પ્રમાણ” (PRAMAAN) નામની સોફ્ટવેર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ ‘પોલીસ રોલ કોલ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગના તમામ ૧૪ પોલીસ સ્ટેશનોમાં કાર્યરત કરવામાં આવશે.
સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ:
-
સિંગલ લોગીન મિકેનિઝમ: આ એપ્લિકેશનમાં સુરક્ષા અને સચોટતા માટે ‘સિંગલ લોગીન મિકેનિઝમ’ રાખવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે પોલીસ કર્મચારી માત્ર પોતાના એક જ અધિકૃત મોબાઈલ ડિવાઇસ અને રજિસ્ટર્ડ નંબર પરથી લોગીન કરી શકશે. આનાથી કર્મચારીની હાજરી ચોક્કસાઈપૂર્વક સુનિશ્ચિત કરી શકાશે.
-
ફેક GPS પર પ્રતિબંધ: ટેકનોલોજીનો દુરુપયોગ રોકવા માટે આ એપ્લિકેશનમાં ‘ફેક’ અથવા ‘મોક’ જી.પી.એસ. (GPS) ના ઉપયોગ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. આથી, કર્મચારીએ ફરજ પરના નિયત સ્થળે હાજર રહીને જ પોતાનું ‘ચેક-ઇન’ અને ‘ચેક-આઉટ’ નોંધાવવાનું રહેશે.
-
ડિજિટલ ડ્યુટી રોસ્ટર: પોલીસ કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ એપ દ્વારા કર્મચારીઓની દૈનિક અને માસિક શિફ્ટ તેમજ ફરજની ફાળવણી (ડ્યુટી એલોકેશન) ડિજિટલ માધ્યમથી અત્યંત સરળતાથી કરી શકાશે.
આ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ શહેરના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી વ્યવસ્થાથી પોલીસ કામગીરીમાં વધુ શિસ્ત, પારદર્શિતા અને કાર્યક્ષમતા આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
